ઝી બ્યુરો/અમદાવાદ: હાલના દિવસોમાં ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનાવવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ પાર્ટીના સૌથી મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા ત્રણથી ચાર મોટા નિર્ણયોના અમલીકરણની જોરદાર ચર્ચા પણ થઈ રહી છે.
સૂત્રોનું માનીએ તો, પાર્ટી લોકસભાના 26માંથી 20 સાંસદોનું પુનરાવર્તન નહીં કરે. ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને 2024ની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતા નહિવત જેવી છે, જેથી જ કહેવાઈ રહ્યું છે કે ત્રીજી વખત મોદી સરકાર માટે ચોથી વાર ટીકીટ નહિ. આ સિવાય પાર્ટી 65 વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં પણ નથી દેખાઈ રહી. આ બે માપદંડો પર પાર્ટીના લગભગ 20 સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે.
મહિલાઓની સંખ્યામાં વધારો થશે
સંસદમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં મનાઈ રહ્યું છે કે પાર્ટી 2024ની ચૂંટણીમાં 9 મહિલાને ઉમેદવાર બનાવી શકે છે. હાલમાં પાર્ટીના કુલ 26 સાંસદો માંથી 6 મહિલાઓ છે. જો આમ થશે તો ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યથી મોટી શરૂઆત કરશે. આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે. રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો પર કોણ ઉમેદવાર હશે? તે ચોક્કસ નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાય છે. એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા, પાર્ટી તેમને લોકસભા ચૂંટણી લડાવી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની 27મી તારીખે ચૂંટણી યોજાવાની છે તે નામો ની જાહેરાત સાથે જ પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
ઉંમર અને લોકસભાની મુદત અનુસાર ગુજરાતના ભાજપના વર્તમાન સાંસદોની સ્થિતિ
અનુક્રમ નંબર | નામ | ઉંમર | લોકસભા બેઠક | કેટલી વખત સાંસદ? |
1 | વિનોદ ચાવડા | 44 | કચ્છ | બે વાર |
2 | પરબત ભાઈ પટેલ | 75 | બનાસકાંઠા | એકવાર |
3 | ભરતસિંહ ડાભી | 68 | પાટણ | એકવાર |
4 | શારદાબેન પટેલ | 75 | મહેસાણા | એકવાર |
5 | દીપસિંહ રાઠોડ | 71 | સાબરકાંઠા | બે વાર |
6 | અમિત શાહ | 59 | ગાંધીનગર | એકવાર |
7 | હસમુખ ભાઈ પટેલ | 63 | અમદાવાદ પૂર્વ | એકવાર |
8 | કિરીટ ભાઈ સોલંકી | 73 | અમદાવાદ પશ્ચિમ | ત્રણ વખત |
9 | મહેન્દ્રકુમાર મુંજપુરા ડો | 55 | સુરેન્દ્ર નગર | એકવાર |
10 | મોહનભાઈ કુંડારીયા | 71 | રાજકોટ | બે વાર |
11 | રમેશ ભાઈ ધડુક | 61 | પારબંદર | એકવાર |
12 | પુનમબેન મેડમ | 49 | જામનગર | બે વાર |
13 | રાજેશ ચુડાસમા | 41 | જુનાગઢ | બે વાર |
14 | નારણભાઈ કાછડીયા | 68 | અમરેલી | ત્રણ વખત |
15 | ડો.ભારતીબેન શિયાળ | 59 | ભાવનગર | બે વાર |
16 | મિતેશભાઈ પટેલ | 58 | આણંદ | એકવાર |
17 | દેવુસિંહ ચૌહાણ | 59 | ખેડા | બે વાર |
18 | રતનસિંહ રાઠોડ | 68 | પંચમહાલ | એકવાર |
19 | જશવંતસિંહ ભાભર | 57 | દાહોદ | બે વાર |
20 | રંજનબેન ભટ્ટ | 61 | વડોદરા | બે વાર |
21 | ગીતાબેન રાઠવા | 56 | છોટા ઉદેપુર | એકવાર |
22 | મનસુખ વસાવા | 66 | ભરૂચ | છ વખત |
23 | પ્રભુભાઈ વસાવા | 53 | બારડોલી | બે વાર |
24 | દર્શના જરદોશ | 63 | સુરત | ત્રણ વખત |
25 | ચંદ્રકાંત રઘુનાથ ભાઈ પાટીલ (સી.આર. પાટીલ) | 68 | નવસારી | ત્રણ વખત |
26 | ડો.કે.સી.પટેલ | 75 | વલસાડ | બે વાર |
દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાઈ શકે છે
ગુજરાત સંગઠનમાં પાટીલનું આજે પણ વર્ચસ્વ છે. પાટીલના બુથ મેનેજમેન્ટનો પ્લાન આજે પણ ભાજપ દેશભરમાં અમલ કરી રહ્યું છે. પાટીલ અને મોદી વચ્ચે ખાસ સંબંધો છે. ગુજરાતમાં મોદી કે અમિત શાહ નથી કરી શક્યા એ પાટીલે કરી બતાવ્યું છે. 156 રેકોર્ડબ્રેક સીટો જીતીને પાટીલે પોતાની સંગઠન ક્ષમતાને ઉજાગર કરી છે. આજે ગુજરાતમાં પાટીલનો પડ્યો બોલ ઝિલાય છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાનો ભાર પણ પાટીલના ખભે હોવાની સાથે પાટીલ દેશભરમાં સૌથી વધારે મતોથી જીતતા ઉમેદવાર છે. એટલે ભાજપ આ ક્રાયેટેરિયામાંથી સીઆર પાટીલને બાકાત રાખી ટિકિટ આપી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે