Ambaji Temple Mohanthal Prasad Change : ગુજરાતના પ્રખ્યાત દેવસ્થાન અંબાજી મંદિરમાં છેલ્લાં 50 વર્ષથી એક જ પ્રકારનો પ્રસાદ મળતો હતો. આ પ્રસાદ મંદિરની ઓળખ હતી. પ્રસાદ હાથમાં જ મૂકતા અને મોઢામાં ઓગળી જાય એટલે લોકો સમજી જાય પણ કે આ અંબાજીનો પ્રસાદ છે. પંરતુ હવે અંબાજી મંદિરના આ પ્રસાદની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. ટ્રસ્ટના આ નિર્ણયથી કરોડો માઈભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હવે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો છે.
મોહનથાળને બદલે ચીક્કીનો પ્રસાદ કરાયો
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. અંબાજીમાં હવેથી મોહનથાળના બદલે ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ત્રણ માસ સુધી પણ ચાલી શકે જેને લઈને નિર્ણય લેવાયો છે. સૂકા પ્રસાદની ઘણી રજૂઆતો અને મંતવ્યો બાદ નિર્ણય કરાયો છે. સોમનાથ તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે અને એ મંદિરોનું જોઈને નિર્ણય કરાયો છે. હવે અંબાજીના સૂકા પ્રસાદ ચીકીનું દેશ અને વિદેશમાં પણ જશે. ચીકીના સૂકા પ્રસાદ માટે અમુલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ પણ ચાલુ છે. અમુલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ અને વિદેશમાં પણ જશે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદના હવે 19200 પેકેટ બચ્યા હતા. જેમાંથી ગુરુવારે રાત સુધી 11000 પેકેટનું વિતરણ થયું હતું. હવે 8200 પેકેટનો જ સ્ટોક બચ્યો છે. જે શુક્રવાર એટલે કે આજ સુધીમાં ચાલશે. પ્રસાદ બનાવતી એન્જસીને નવો પ્રસાદ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો નથી. પરિણામે શુક્રવાર બપોર પછી હવે ભક્તોને માતાજીના પ્રસાદનો મોહનથાળ મળશે કે કેમ તે બાબતે આશંકાઓ સાથે આક્રોશ ઉભો થયો છે.
ક્રિકેટર્સ માટે સારા સમાચાર, ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ઘોનીની ક્રિકેટ એકેડમી
પ્રસાદ ફરી ચાલુ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરશે
અંબાજી ગામમા આવેલ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ કરાયો છે. આ માટે પ્રદર્શન કરાયું. તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. અને જો 48 કલાકમાં મોહનથાળ ફરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો રાત્રે પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ ચીમકી આપી કે, અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ અમે તમામ પ્રકારે વિરોધ દર્શાવીશું. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા હિન્દુ હિત રક્ષા સમિતિએ પ્રબળ માંગ કરી છે. પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
પ્રસાદની સાથે પરંપરા પણ બદલાશે
મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે