Gujarat Politics : ગોપાલ ઈટાલિયાની જીત ભાજપ માટે બોધપાઠ બની હોય તેવું લાગે છે. અચાનક આળસ મરોડીને ભાજપના નેતાઓ કામે લાગી ગયા છે. ભાજપના નેતાઓને હવે નાગરિકોના કામ યાદ આવી રહ્યાં છે. નેતાઓમાં એક જ ફફડાટ પેસી ગયો છે કે, જો વિસાવદરવાળી થશે તો વોટબેંક જશે. વિસાવદર પેટાચૂંટણી બાદ ગુજરાતની જનતા પણ જાગી હોય તેમ નેતાઓનો ઉધડો લઈ રહી છે. હાલમાં જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે પ્રજાએ માંડેલો મોરચો તેનુ તાજુ ઉદાહરણ છે.
કાંતિ અમૃતિયા બાદ પ્રકાશ વરમોરા લેવાયા
સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને વાહવાહી લુંટતા ધારાસભ્યને હવે લોકો કહી રહ્યા છે કે, કામ કરો, નહીં તો વિસાવદરવાળી થશે. હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાના લોકોએ સોશિયલ મીડિયામાં ઉધડા લીધા. ધારાસભ્ય ફોન નહીં ઉપાડતાં હોવાનું અને વીજળીના પ્રશ્નો બાબતે ઉધડા લેવાયા છે. ભાજપ સરકાર હોવા છતાં પૂરતા શિક્ષક નહીં હોવા સહિતના મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે.
ખેડૂતોને ખાતર મળતું નથી અને ખાલી સોશિયલ મીડિયામાં ફાંકા ફોજદારી કરતાં હોવાની પોસ્ટ વાયરલ થઈ છે. કેનાલમાં પાણી છોડવા સહિતના મુદ્દે ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લોકોએ અનેક સવાલો કર્યા. વિશ્વ ગુરુ અને યોગની વાતોથી લોકો કંટાળીને ધારાસભ્યએ મુકેલ પોસ્ટ ઉપર બળાપો ઠાલવ્યો.
કામ નહિ કરો તો વિસાવદરવાળી થશે
અત્યાર સુધી બહુમતીના જોરે ભાજપના ધારાસભ્યો મતદારોની સતત અવગણના કરી રહ્યાં હતાં. પ્રજાના પ્રશ્નોને આંખ આડા કાન કરી રહ્યા હતા. પરંતું વિસાવદરની જનતાએ ભાજપને જવાબ આપ્યો છે. આ પેટાચૂંટણી બાદ હવે ગુજરાતમાં ચિત્ર બદલાયુ હોય તેવું લાગી રહ્યુ છે. કેમકે, લોકોનો મિજાજ બદલાયો છે અને પોતાના વિસ્તારના ધારાસભ્યોને સવાલો કરતાં થયા છે. લોકો હવે નેતાઓ પાસેથી કામોનો રિપોર્ટ માંગી રહ્યાં છે. એટલુ જ નહીં, હવે મતદારો સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને સુણાવી રહ્યો છેકે, વાતોના વડાં કરશો નહી, પ્રજાના કામો કરો, પરિણામ આપો, નહીતર વિસાવરદવાળી થશે તે વાત નક્કી છે. વિસાવદર પેટાચૂંટણી પછી ગુજરાતમાં લોકોનો મિજાજ બદલાયો હોય છે કેમકે, ચારેકોર સરકાર વિરોધી દેખાવો- પ્રદર્શન, આદોલનની જાણે સિઝન જામી હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે.
પ્રકાશ વરમોરાને સોશિયલ મીડિયા પર મળ્યા આવા જવાબો
આમ, ગુજરાતમાં પ્રજા કંટાળી છે. સરકારથી સવાલો કરી રહી છે. તેમા પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના, ખાડાવાળા રોડ રસ્તા, પાણી ભરાવાની સમસ્યાને પગલે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે સાથે સાથે જનઆક્રોશ એટલી હદે ભભૂક્યો છે કે, સરકારવિરોધી માહોલ ઉભો થયો છે. જેના કારણે સરકાર-પક્ષે ધારાસભ્યોને પ્રજા વચ્ચે જવા આદેશ આપવો પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે