India vs England 4th Test : લોર્ડ્સ ટેસ્ટમાં 22 રનથી મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા હવે માન્ચેસ્ટરમાં યોજાનારી ટેસ્ટ મેચ જીતવા માંગશે. 5 મેચની શ્રેણીની ત્રણ ટેસ્ટ પૂર્ણ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ 2-1થી આગળ છે. હવે ટીમ ઈન્ડિયા ચોથી મેચ પહેલા જોરદાર તૈયારી કરી રહી છે. ત્યારે એક સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય ટીમનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થયો છે અને તે ચોથી ટેસ્ટમાંથી બહાર છે. હવે કવર તરીકે અર્શદીપની જગ્યાએ એક સ્ટાર બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટીમમાં અંશુલ કંબોઝની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ અનુસાર, ફાસ્ટ બોલર અંશુલ કંબોઝને ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહ માન્ચેસ્ટરમાં યોજાનારી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કંબોઝ અગાઉ ઈન્ડિયા એ ટીમનો ભાગ હતો. તેણે ગયા મહિને ત્રણ-દિવસીય 2 મેચ રમી હતી. તેણે બે મેચમાં પાંચ વિકેટ લીધી હતી. કંબોઝે તેની ગતિ અને સટિક લાઇનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે હરિયાણા માટે 24 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 79 વિકેટ લીધી છે.
WCL : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ, આયોજકોએ માંગવી પડી માફી
BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે અર્શદીપને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા દસ દિવસ લાગશે. પસંદગીકારોએ કંબોજને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આકાશ દીપની ઉપલબ્ધતા પણ શંકામાં છે કારણ કે તેને ગ્રોઈંગમાં ખેંચાવ છે. ટીમનો વિકેટકીપર રિષભ પંત પણ ઈજાગ્રસ્ત છે.
પ્રેક્ટિસ દરમિયાન ઈજા
અર્શદીપ સિંહને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. સાઈ સુદર્શનના શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેના હાથમાં ઈજા થઈ હતી. તેના હાથમાં ટાંકા આવ્યા છે. હવે તેના માટે ચોથી ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે. અર્શદીપને હજુ સુધી ટેસ્ટમાં તક મળી નથી.
લોર્ડ્સ ખાતે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ઇનિંગની 28મી ઓવરમાં આકાશ દીપ અસ્વસ્થતા અનુભવતા ડ્રેસિંગ રૂમમાં ગયો. ટીમ ફિઝિયો સાથે પેસરે તેની કમર પકડી રાખી હતી અને તેને દુખાવો થતો હતો. 28 વર્ષીય આકાશ દીપને પહેલા પણ ઈજા થઈ છે.
રિષભ પંત પણ ઈજાગ્રસ્ત
ટીમના વિકેટકીપર રિષભ પંતને પણ ઈજા થઈ છે. લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહનો બોલ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેને ડાબા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. પંતે બાકીની મેચમાં વિકેટકીપિંગ કરી નહોતી. ભારતીય ટીમ માન્ચેસ્ટરમાં તેની ચોથી ટેસ્ટ મેચ રમશે. જે 23 જુલાઈથી શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે