હિતલ પારેખ/ગાંધીનગર :કાંકરિયાની રાઈડ તૂટી પડઘાની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર મામલામાં ગુનો નોંધી જવાબદાર 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપામીએ કાંકરિયા અકસ્માતની કરુણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કાંકરિયા રાઈડ અકસ્માતમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે. મુખ્યમંત્રીએ કાંકરિયા કેસ મામલે ઊંડી તપાસની પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે.
તો બીજી તરફ, હવે સૌરાષ્ટ્રમાં પણ સાતમ-આઠમના મેળા ભરાશે, જેમાં આવી રાઈડ લગાવાશે. તે વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, સાતમ આઠમના મેળાઓ પણ આ પ્રકારની નાની મોટી રાઈડ ચાલતી હોય છે, ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. વખતો વખત તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાતમ આઠમના મેળા યોજાય છે તેમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મંજૂરી આપ્યા પછી નિયમિત તેની તપાસ નહિ થાય તો તેના પણ પગલાં ભરવામાં આવશે.
કાંકરિયા રાઈડ અકસ્માત : 3નો ભોગ લેવાયા બાદ 5 લોકો સામે ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાંકરિયા સ્થિત બાલવાટિકા નજીક ડિસ્કવરી નામની રાઈડમાં ગઈકાલે સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સવાર 31 લોકો પૈકી ત્રણના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે અન્ય 28ને સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ગોળ સીટમાં બેસેલા લોકોને આ રાઈડ ઉપર લઈ જઈને પછી ઝૂલાને જેમ ઝૂલાવતી હતી. પણ અચાનક આ રાઈડના 40 ટનના કેબલ પૈકીના એક કેબલમાં કોઈ ખામી સર્જાતા ગોળાકાર ઝુલો પહેલાં એક સાઈડના એંગલ સાથે પટકાયો હતો. એ સમયે જ આ રાઈડમાં બેસેલી એક વ્યક્તિ નીચે પટકાઈ હતી. બાદમાં તરત જ રાઈડ પણ નીચે પટકાઈ હતી. જેમાં બે વ્યક્તિના સ્થળ પર જ મોત થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે તેમને હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે