ચેતન પટેલ/ સુરતઃ સુરતના વરાછા વિસ્તારમા એક નજીવી બાબતે મોટા ભાઇએ નાના ભાઇને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. જમતી વેળાએ છાશ ઢોળાઇ જતાં બંને ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી. પોલીસે માતાની ફરિયાદના આધારે મોટાભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગર જિલ્લાના પાવઠી ગામના વતની ભુપત ભવાનવાળા પરિવાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં બોમ્બે માર્કેટ-પુણા રોડ પર ઇશ્વરનગર સોસાયટીમાં ભાડેથી રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્ર, એક પુત્રવધુ અને એક પુત્રી છે. મોટો પુત્ર રાજુ અને નાનો પુત્ર ઘનશ્યામ બંને રત્ન કલાકાર છે. મંગળવારે રાત્રે દસેક વાગે રાજુ અને ઘનશ્યામ સાથે જમવા માટે બેઠા હતા.
જમતા દરમિયાન નાના ભાઈ ઘનશ્યામથી ભુલથી છાશ ઢોળાઈ ગઈ હતી. આથી મોટાભાઈ રાજુએ નાના ભાઈ ઘનશ્યામને કહ્યું કે, છાશ કેમ ઢોળે છે. ઘનશ્યામે સામે જવાબ આપ્યો કે, ભલે ઢોળાઈ, તારે ક્યાં સાફ કરવાની છે. મમ્મી અને બેન સાફ કરશે.
અનોખો કિસ્સોઃ 14 પાલતુ પ્રાણી સાથે અમદાવાદ ફરવા આવી USની મહિલા
નાનાભાઈનો જવાબ સાંભળીને મોટોભાઈ રાજુ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે, તારે જ સાફ કરવી પડશે અને અત્યારે જ સાફ કર. ઘનશ્યામે સાફ કરવાની ના પાડતા રાજુએ તેને એક તમાચો મારી દીધો હતો. આથી, બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી. રાજુએ ગુસ્સામાં આવીને નજીકમાં પડેલું ચપ્પુ ઘનશ્યામને મારી દીધું હતું.
ગંભીર રીતે ઘાયલ ઘનશ્યામને લઈને પરિવાર તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ દોડી ગયો હતો. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબે ઘનશ્યામને મૃત ઘોષીત કરતાં પરિવારજનોના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. આ બનાવને લઇને માતા ધીરુબેને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે આરોપી રાજુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે