ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધનવંતરી કોવીડ હોસ્પિટલમાં વિવાદ બાદ મોટો ફેરફાર કરાયો છે. વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. આજે સવારથી જ ધનવંતરી હોસ્પિટલમાં ટોકન વગર સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાઇ રહ્યાં છે. દર્દીની ગંભીરતાના આધારે ટોકન વગર પણ એડમિશન અપાઈ રહ્યું છે. સાથે જ દાખલ થયેલા દર્દીઓની ઇમરજન્સી સેવા માટે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ પણ હોસ્પિટલની બહાર કાર્યરત કરાઈ છે.
હાલમાં જ શરૂ કરાયેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહાર આજે પણ દર્દીઓ અને તેમના સ્વજનોની લાંબી લાઈન જોવા મળી છે. વહેલી સવારથી જ દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈન લગાવવા ઉભા છે. પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યાં છે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં કોવિડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે મોટાપાયેલ ટોકન સિસ્ટમ પર થયેલા હોબાળા બાદ હવે આજથી ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવી રહ્યાં છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા કેલિકટથી આવી 30 તબીબોની ટીમ
નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે, જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં હાઉસ કિપિંગ સ્ટાફ, વોર્ડબોયની નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટાફ 24X7 દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. આમ, કોવીડ ધન્વતરી હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે.
ટોકન સિસ્ટમનો વિરોધ કરાયો હતો
ટોકન સિસ્ટમની જાહેરાત કરાયા બાદ ગઈકાલે હોસ્પિટલની બહાર અફરાતરફી મચી ગઈ હતી. દર્દીઓની લાંબી લાઈનો વધી ગઈ હતી. સાથે જ દર્દીઓની હાલાકી પણ વધી ગઈ હતી. તો મોટી સંખ્યામાં લોકોએ ટોકન સિસ્ટમનો વિરોધ પણ કર્ય હતો. ટોકન આપ્યા પછી પોતાનો નંબર ક્યારે આવે, પછી ફોન આવે ત્યા સુધી રાહ જોવાની, અને ત્યા સુધી દર્દીની હાલત વધુ ગંભીર બની શકે છે. તેથી આ અંગે હાઈકોર્ટમાં આ અંગેની અરજીની સુનવણી ઝડપી બનાવવા અપીલ કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે