Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરના કાવાદાવા : પાટીલનો એક પગ ગાંધીનગરમાં રહેશે, એક IPS ની પ્રમાણિકતાની ચર્ચા

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
 

ગાંધીનગરના કાવાદાવા : પાટીલનો એક પગ ગાંધીનગરમાં રહેશે, એક IPS ની પ્રમાણિકતાની ચર્ચા

Gandhinagar Na Kavadava હિતલ પારેખ / ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

fallbacks

પ્રમુખ તરીકે નામ ચાલતા મજા આવી ગઈ, અધિકારીઓ અને મંત્રીઓ ઉભા થઈ જાય છે 
ભાજપના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સરકારમાં ખૂબ મહત્વનો અને પાવરફુલ ગણાય છે. છેલ્લા કેટલાય વખતથી નવા પ્રદેશ પ્રમુખ કોણ તેમાં અનેક નામો મીડિયામાં ચાલે છે. જોકે મીડિયામાં ચાલતા નામોમાંથી કોઈ પ્રદેશ પ્રમુખ બનશે કે નહીં તે સમય બતાવશે. પણ અત્યારે જે નામો ચાલે છે તેમાં સૌરાષ્ટ્રના એક નેતા પોતાનું નામ ચાલતા ખુશ ખુશ થયા છે. તિરંગા યાત્રા અંતર્ગત કમલમમાં યોજાયેલી બેઠક વખતે આ નેતા આવતા જ મીડિયાના કેમેરામેનો નેતાને કેમેરામાં લઈ રહ્યા હતા. તે સમયે એક પત્રકારે કોમેન્ટ કરી કે પ્રમુખ આવ્યા. બસ આ સાંભળીને નેતા પણ ખુશ ખુશ થઈ ગયા. સૌરાષ્ટ્રના આ મોટા નેતાએ પણ સામે કોમેન્ટ કરી. પ્રમુખ બનીએ કે ન બનીએ પણ અત્યારે તો મજા આવી ગઈ છે. અધિકારી કે મંત્રીને મળવા જઈએ છીએ ત્યારે તેઓ ઉભા થઈ જાય છે. મીડિયામાં નામ ચાલવાથી આટલો ફેર ચોક્કસ પડ્યો છે. સૌરાષ્ટ્રના આ કદાવર નેતા અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

IPS અધિકારીની પ્રમાણિકતા અન્ય પ્રમાણિક અધિકારીઓ માટે ત્રાસદાયક 
ગુજરાત IPS અધિકારીઓમાં ખૂબ ઓછા આઈપીએસ અધિકારીઓને પ્રજા દ્વારા પણ પ્રમાણિક હોવાનું પ્રમાણપત્ર મળતું હશે. આવું પ્રમાણપત્ર મેળવી ચૂકેલા IPS અધિકારી તેમના જ સ્ટાફ માટે ત્રાસદાયી સાબિત થઈ રહ્યા છે. આ સિનિયર IPS અધિકારીની પ્રમાણિકતા ઉપર કદાચ કોઈને પણ શંકા નહીં હોય. જોકે આ પ્રમાણિક અધિકારી હવે માત્ર પોતે એકલા જ પ્રમાણિક હોવાનું માની રહ્યા છે. તેના કારણે તેમનો જ સ્ટાફ ત્રાહિમામ પ્રોકારી ઉઠ્યો છે. આ અધિકારી સ્ટાફને કોઈપણ કામ સોંપે એટલે તેમાં રૂપિયાની લેવડદેવડ થઈ હશે તેવી શંકા સતત રાખી રહ્યા છે. જેનાથી હવે આ અધિકારી સાથે કામ કરવું તેમના સ્ટાફને મુશ્કેલ બન્યું. પોતાની ચેમ્બરમાં બોલાવી માત્ર શંકાઓને આધારે બીજા પ્રમાણિક અધિકારીઓને વગર કામના નીચે ઉતારી પાડે છે. તાજેતરમાં જ આ પ્રકારના ત્રણ-ચાર બનાવોને કારણે સરકારમાં પણ ફરિયાદો ગઈ હોવાની જાણકારી મળી રહી છે. જોકે સરકાર પણ આઇપીએસની પ્રમાણિકતાને કારણે હજુ બધું આંખ આડા કાન કરી ચલાવી રહી છે.

fallbacks

સી.આર. નો એક પગ ગાંધીનગરમાં જ રહેશે 
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે. પ્રમુખ પદનો કાર્યકાળ આંકડાકીય સિદ્ધિઓમાં સીઆર પાટીલનો સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. આ એવા પ્રથમ પ્રમુખ પણ છે કે જેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સામેથી અનેક વખત પ્રમુખ પદની જવાબદારી છોડી અન્યને સોંપવાની તૈયારી બતાવી છે. જોકે હાલ તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ છે જ. તે જ વાસ્તવિકતા છે. ‘એક વ્યક્તિ એક પદ’ ના નિયમના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા સીઆર પાટીલ કેન્દ્રીય મોવડીમંડળને કારણે પાલન કરી શક્યા નથી. જોકે સીઆર પાટીલ પણ પોતાનો એક પગ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ રાખવા માંગે છે. રાજકીય દ્રષ્ટિએ ગાંધીનગરનું મહત્વ પાટીલ સારી રીતે જાણે છે. ગાંધીનગરમાં બજાર ભાવે ભાડે રાખેલ સરકારી બંગલો હવે કેન્દ્રીય મંત્રી તરીકે ચાલુ રાખ્યો છે. બંગલાનું રીનોવેશન પણ કરાવી લીધું છે. એટલે કહી શકાય કે, આવતીકાલે જ્યારે પણ સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ નહીં હોય તો પણ નિયમિત ગાંધીનગરમાં આવતા જતા રહેશે. ભાજપના નેતાઓ અને મંત્રીઓ કે ધારાસભ્યોને સરળતાથી ગાંધીનગરમાં મળતા રહેશે.

‘દાદા’ મામુ નહિ, મામા બન્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદા તરીકે પણ જાણીતા છે. જોકે હમણાં રક્ષાબંધનના પર્વને લઈને દાદાને મામા પણ બનવું પડ્યું. પ્રથમ વખત રાજભવનમાં મુખ્યમંત્રી દ્વારા આયોજિત રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી. બહેનો સાથે તેમના બાળકો પણ મુખ્યમંત્રીને મળવા સ્ટેજ પર જતા હતા. બાળકોને જોઈને મુખ્યમંત્રી ચોકલેટ પણ આપતા હતા. આ સમયે રાજયના પૂર્વ મહિલા મંત્રીએ બાળકને પોતાની સાથે રાખી મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. આ બાળક મુખ્યમંત્રીથી ગભરાતું હોય એ પ્રકારે દૂર રહેતું હતું. એટલે પૂર્વ મહિલા મંત્રીએ બાળકને કહ્યું પણ ખરું કે, ‘આ તો મામા છે.’ બે ત્રણ વખત આ પ્રકારે મુખ્યમંત્રીને મામા તરીકે સંબોધન કરતા બાળક પણ ખુશ થયું અને મુખ્યમંત્રીએ આપેલી ચોકલેટ લઈને નીકળી ગયું. આ પ્રસંગને જોઈ રહેલી કેટલીક મહિલાઓ નેતાએ કોમેન્ટ પણ કરી રહી કે, તમે મુખ્યમંત્રીને મામા બનાવી શકો પણ મામુ નહીં બનાવી શકો.

fallbacks

25 ઓગસ્ટ નજીક આવતા જ પાટીદાર આંદોલનના ચહેરા મેદાનમાં 
ગુજરાતના રાજકારણમાં નવનિર્માણનું આંદોલન અને ત્યાર પછી પાટીદાર આંદોલન કાયમ યાદ રહેશે. પાટીદાર આંદોલનમાં મહત્વની ભૂમિકા કે ચહેરો બનેલા યુવાનો ફરી સક્રિય થયા છે. હવે આ આંદોલનની 25 ઓગસ્ટ નજીક આવી છે. પાટીદાર આંદોલનથી બિન અનામત વર્ગને અનામતનો લાભ મળ્યો. એ સમયે બિન અનામત આયોગની રચના થઈ હતી. અનેક બિન અનામત વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે લોન પણ મળી. જોકે હવે ચેરમેન કે અન્ય હોદ્દેદારો ન હોવાથી શિથિલતા આવી છે. આ શિથિલતા દૂર કરવા માટે પાટીદાર આંદોલનના ચહેરા બનેલા યુવાનો ફરી મેદાનમાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમા પણ અનામતની માંગણી પાટીદાર સમાજ સહિતના અન્ય બિન અનામત સમાજ કરી રહ્યા છે. ઓબીસીને 27% અનામત આપ્યા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તેની કેવી અસર થઈ છે તેનું રાજકીય વિશ્લેષણ બિન અનામત સમાજના આગેવાનો કરી રહ્યા છે. જે ભવિષ્યમાં ગુજરાતમાં રાજકીય રીતે મોટા આંદોલનનો પાયો નાંખી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More