Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
બદલી માટે રાજકીય ભલામણ કરતા અધિકારીઓ મંત્રીએ પાઠ ભણાવ્યા
સામાન્ય રીતે જોવા જઈએ તો સરકારી તંત્રમાં બદલી માટે રાજકીય નેતાઓની ભલામણ થતી હોય છે. ધારાસભ્ય અને સાંસદો પોતાના વિસ્તાર અને પોતાના ઓળખીતાઓની સારી જગ્યા પર (કમાતી) જગ્યા પર ભલામણ કરે છે. જોકે મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આવા કર્મચારી અધિકારીઓને પાઠ ભણાવવામાં આવ્યો. તેમના કાર્યાલયમાં રાજકીય નેતાઓની આવેલી ભલામણોના આધારે અલગ યાદી તૈયાર કરવામાં આવી. આ યાદીને આધારે અધિકારીઓ અને કર્મચારીઓને સત્તાવાર એક ઈમેલ કરાયો. જેમાં સામાન્ય વહીવટ વિભાગનો એક પરિપત્ર મૂક્યો. આ પરિપત્રમાં ‘બદલી માટે રાજકીય ભલામણ એક શિક્ષાત્મક કૃત્ય ગણાશે’ તેવો ઈમેલ મળતા જ અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થયા. જે ધારાસભ્યો અને સાંસદો દ્વારા ભલામણનો પત્ર આપવામાં આવ્યો હતો. હવે એ જ લોકો આ ભલામણનો પત્ર પરત ખેંચવા દોડતા થયા. મંત્રીના કાર્યાલયમાં આવીને પોતાની ભલામણ પાછી ખેંચે છે અને પત્ર પરત આપવા વિનંતી કરતા થયા. મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાનો આ અનુભવ કેબિનેટ બેઠકમાં પણ વ્યક્ત કર્યો. કેબિનેટ બેઠકમાં પણ કેટલાક મંત્રીઓએ પોતાના વિભાગમાં આ રીતે અમલ કરવાની તૈયારી કરી.
પુત્રોની કરતુતો પિતા મંત્રીઓને ડુબાડશે... મંત્રીમંડળમાં ફેરફાર વખતે પુત્રના પ્રતાપે મંત્રી પદ જાય પણ ખરું?
સામાન્ય રીતે રાજકારણમાં નેતાઓ પોતાના પરિવારને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. ભાજપ તો વંશવાદનો વિરોધ કરતું આવ્યું છે. પણ છેલ્લા કેટલાક વખતથી કેટલાક મંત્રીઓ માટે તેમના જ સંતાનો સંકટ ઊભું કરી રહ્યા છે. થોડા સમય અગાઉ બીઝેડ કૌભાંડના મામલામાં પણ એક મંત્રીના પુત્રનું નામ ઉછળ્યું હતું. મારામારી કેસમાં પણ મંત્રીએ ઢાલ બનવાની ફરજ પડી. આ જ રીતે મનરેગામાં પણ મંત્રી પુત્રોના નામ કૌભાંડમાં આવ્યા. બંને પુત્રોએ આગોતરા જમીનની અરજી કરવી પડી. એક મંત્રીના પુત્રનું પણ FIR માં નામ આવ્યું. એક મંત્રી તો એવા છે કે તેઓ ક્યારેય મંત્રીની ચેમ્બરમાં દેખાતા નથી, પણ તેમનો પુત્ર જ વિભાગ ચલાવતો હોય એ પ્રકારે મંત્રીની ચેમ્બરમાં હાજરી આપે છે. આ પુત્ર અધિકારીઓને અલગ અલગ કામ માટે પણ ફોન કરે છે.
કેબિનેટ મંત્રીને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે ફાવતું નથી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મહત્વનો વિભાગ ધરાવતા કેબિનેટ મંત્રીને પોતાની જ વિભાગ અંતર્ગત આવતા રાજ્ય કક્ષાના મંત્રીઓ સાથે બહુ જામતું નથી. અવારનવાર ખટપટ અને માથાકૂટ થાય છે. રાજ્યકક્ષાના મંત્રી જાણે મંત્રી જ ન હોય એ પ્રકારે કેબિનેટ મંત્રી વર્તન કરે છે. એક પણ ફાઈલ રાજ્ય કક્ષાના મંત્રીને મોકલાવતા જ નથી. આ રાજ્યકક્ષાના મંત્રીએ થોડા દિવસો પહેલા જ જાહેરમાં હૈયા વરાળ કાઢી. મુખ્યમંત્રી સુધી બળાપો કાઢ્યો. આ જ કેબિનેટ મંત્રી અંતર્ગત બીજા પણ એક રાજ્યકક્ષાના મંત્રી છે તેમની સાથે સોશિયલ મીડિયાનો જંગ જામ્યો છે. વિભાગમાં કોઈ નિર્ણય લેવાય તો પહેલી જાણકારી સોશિયલ મીડિયા મારફતે કોણ આપે તેનો આ જંગ છે. જોકે આમાં રાજ્ય કક્ષાના મંત્રી હોશિયાર હોવાથી સોશિયલ મીડિયા અને મીડિયામાં કેબિનેટ મંત્રી કરતાં આગળ રહે છે.
CMO ની અધિકારીઓ પર બાજ નજર.. એક અધિકારીને બહારનો રસ્તો બતાવ્યો
આખી વાત એમ છે કે રેવન્યુ વિભાગમાં કામ કરતા નાયબ સચિવ કક્ષાના અધિકારીની વિભાગમાં બદલી કે મહત્વની ફાઈલો સંદર્ભે કેટલીક શંકાસ્પદ ભૂમિકાઓ મુખ્યમંત્રી કાર્યાલયના ધ્યાનમાં આવી. આથી રેવન્યુ વિભાગમાંથી તાત્કાલિક બદલી કરી આ અધિકારીને આરોગ્ય વિભાગમાં મુકાયા. જોકે આ નાયબ સચિવને રૂપિયાની લેતી દેતી લોહી ચાખી જવા જેવી હતી. આરોગ્ય વિભાગમાં પણ આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રાખે. આ વાત પણ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી. મુખ્યમંત્રી કાર્યાલયથી સીધો ઓર્ડર નીકળતા આ નાયબ સચિવની બદલી સચિવાલયની બહાર કરી સબક શીખડવાનો પ્રયાસ થયો. હવે આ અધિકારી મહિલાઓ કલ્યાણ માટે કામગીરી કરી રહ્યા છે.
પાકિસ્તાનને પાઠ ભણાવો પછી જ સન્માન
ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ પોતાના સંકલ્પના પાક્કા છે. પાકિસ્તાન ના આતંકવાદી કૃત્ય બાદ સી આર પાટીલે નિર્ણય કર્યો કે જ્યાં સુધી પાકિસ્તાનને પાઠ નહીં ભણાવવામાં આવે ત્યાં સુધી તેઓ સન્માન નહીં સ્વીકારે. પોતાના સન્માન કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો. પોતાનો દેશ પ્રેમ બતાવી એક નોખી પરંપરા શરૂ કરી. આમ તો સંકલ્પ લેવામાં સીઆર પાટીલે હાર શબ્દ ન પસંદ હોવાથી પોતાના ગળામાં ફુલોનો હાર પણ પહેરતા નથી. અભી બોલા અભી ફોક જેવા રાજકીય સમયમાં આ પ્રકારનું સંકલ્પ બળ સી આર પાટીલે બતાવ્યું. કદાચ એટલે જ પોતાના રાજકીય વિરોધીઓને સાથે રાખતા નથી એ કાયમ સામે જ રાખે છે.
ટુરિઝમ સેક્રેટરીને બધું ઓટોમેટીક મળ્યું
દિલ્હી ડેપ્યુટેશનથી પરત આવેલા આઈએએસ અધિકારી રાજેન્દ્ર કુમારને સીધા જ ટુરિઝમ સેક્રેટરી બનાવી દેવાયા. ટુરિઝમ જેવી મહત્વની જગ્યા પર બેસનાર અધિકારી જેવા તેવા તો ન જ હોય. તેમને બધું જ ઓટોમેટિક મળી રહ્યું હોય એવું લાગે છે. અધિકારીઓમાં મુખ્ય સચિવ અને મંત્રીઓ પાસે ઓટોમેટીક દરવાજો ખુલે તેવી ગાડી નથી. સેવક આવીને દરવાજો ખોલે છે. જોકે રાજેન્દ્ર કુમાર પાસે ઓટોમેટીક દરવાજો ખુલે તેવી ગાડી સરકારે આપી છે. કદાચ આ પહેલા સેક્રેટરી છે જેની પાસે આ પ્રકારની સરકારી ગાડી હશે. આમ પણ ટુરીઝમ સેક્રેટરી સરકારી આવાસ માટે પણ બધાથી અલગ છે. જજીસ બંગલા પાસે આવેલા બંગલાઓમાં સરકારે તેમને બંગલો ફાળવ્યો છે. એક તરફ હાઇકોર્ટ આ બંગલાઓ પરત લેવા માટે પ્રયાસ કરે છે, તે સમયમાં રાજેન્દ્ર કુમારને 16 નંબરનો બંગલો ફાળવાયો છે. બંગલામાં રહેવા આવતા પહેલા અનેક ફેરફારો પણ કરાવ્યા હોવાની જાણકારી મળી રહી છે. એક તબક્કે માર્ગ મકાન વિભાગના ઈજનેર પણ આ અધિકારીના બંગલાના રિનોવેશનથી કંટાળી ગયા હતા. એટલે એવું લાગે કે રાજેન્દ્ર કુમારને બધું ઓટોમેટીક મળી રહ્યું છે.
કાકા ભત્રીજાની જોડીએ કમાલ કરી
ચંડોળા તળાવના ગેર કાયદેસર દબાણો દૂર કરવા જોઈએ તેવી લાગણી વર્ષોથી ભાજપ સરકારમાં વેપ કરવામાં આવતી. મુખ્યમંત્રી બદલાઈ ગૃહ મંત્રી બદલાય પણ ચંડોળા તળાવના દબાણ એમને એમ રહેતા. પહેલગામના આતંકવાદી હુમલા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જોડીએ ચંડોળા તળાવના દબાણ ઐતિહાસિક રીતે દૂર કરવાની કામગીરી કરી. મીની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને પકડી પકડીને તો કાઢ્યા, અને તેમના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. દોઢ લાખ ચોરસ મીટર જમીન દબાણમાંથી મુક્ત કરી. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની ઈચ્છા શક્તિથી આ શક્ય બન્યું. આ કામગીરીની ચોમેર પ્રશંસા થઈ. કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું. જોકે હવે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની સાચી અગ્નિ પરીક્ષા થશે. 2010માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પણ આટલા દબાણો દૂર કર્યા હતા અને અટકી ગયા હતા. હવે સમગ્ર ચંડોળા તળાવ પરનું બાકીનું પણ ગેરકાયદેસર દબાણ દૂર થાય તેવી લાગણી ગુજરાતની જનતાની છે. આ ઈચ્છા શક્તિ કાકા ભત્રીજાએ રાખી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે