ગાંધીનગરઃ Agriculture : ગુજરાત સરકારે રાજ્યમાં નાળિયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કુલ રૂ. ૪૦૩.૩૦ લાખની જોગવાઇ સાથે નવી યોજના તરીકે આ મિશનને મંજૂરી આપાઈ છે. નાળિયેરીની ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારા ઉપરાંત ઉત્પાદન વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૩જી સપ્ટેમ્બર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે જણાવ્યું હતું કે, ગુજરાત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. જેટલો દરિયાકિનારો ધરાવે છે, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેરીનું ઉત્પાદન વધારે થાય છે. દરિયાકાંઠાના જિલ્લામાં હાલ ૪૫.૬૧ લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જે જેને ધ્યાને રાખી દરિયાકાંઠાના જિલ્લામાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર ૨૬ હજાર હેક્ટરથી વધીને ૭૦ થી ૮૦ હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્ય અને રાજ્ય બહાર નાળિયેરીની માંગ વધી છે, અને સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપના 2 નહીં 5 જૂથ, અલગ અલગ ગ્રૂપની સરકારમાં દખલઅંદાજી
મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળિયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના ૭૫ ટકા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી ૨ હપ્તામાં કરવામાં આવશે, ૭૫ ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની ૨૫ ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ભાજપ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર ભારે : આનંદીબેન, રૂપાણી બાદ હવે કોનો વારો......
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નારિયેળીનું ઉત્પાદન વધતા પ્રોસેસીંગ થકી તેનું મૂલ્યવર્ધન કરતા નાળીયેર પાણીનાં ટેટ્રાપેક/બોટલ, નાળીયેર મિલ્ક પાવડર, નાળિયેરી તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ ખૂબ જ રહેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે