Gram Panchayat Election 2025: ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે, એવી ગ્રામપંચાયતની ચૂંટણીઓ અંગે આજે મોટા સમાચાર આવી શકે છે. રાજ્ય ચૂંટણી પંચે રાજયની 8326 ગ્રામપંચાયતો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ જાહેરાત સાથે જ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બનવાની શક્યતા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.
લાંબા સમયથી પેન્ડીંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગુજરાતની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આજથી જ્યાં ગ્રામ પંચાયતો છે ત્યાં આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
8326 ગ્રામ પંચાયતની ચૂંટણી બુલેટ પેપરથી મતદાન થશે. 3,637 પેટા ચૂંટણી અંતર્ગત યોજાશે. 5115 સરપંચની ચૂંટણી યોજાવાની છે. તેના માટે 16,500 મતદાન મથકો બનાવવામાં આવશે. 28,300 જેટલી મત પેટી હશે. એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. કુલ બેઠકોમાં 50% મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. 27% અનામત ઓબીસી સંદર્ભમાં ચૂંટણી ડીલે થઈ હોવાનો દાવો કર્યો છે.
કડીમાં બે તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે. કડી અને જોટાણા કુલ 103 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવે છે. વિસાવદરના ચાર તાલુકામાં 4 વિસાવદરમાં 33, જુનાગઢ 20, બગસરામાં ત્રણ અને ભેસાણ સહિત કુલ વિસાવદરમાં 75 જગ્યાએ ચૂંટણી યોજાશે. 30 જૂન સુધી ખાલી થનાર તમામ ગ્રામ પંચાયતોને આવરી લેવાય છે. માત્ર કોર્ટ મેટર હોય એવી જ ગ્રામ પંચાયતો બાકી રખાય છે.
ચૂંટણીપંચ સમીક્ષા કરશે
રાજ્યની 8240 જેટલી ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.
દરમિયાન, વિસાવદર અને કડીમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને પણ રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનાં આધારે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો અને સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના નિરીક્ષકો કડી અને વિસાવદર પહોંચ્યા છે અને કાર્યકરોની સેન્સ લઇને પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરશે. ભાજપના 3 નિરીક્ષક તમામ દાવેદારોને સાંભળશે. બંને બેઠકો પર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ સેન્સ પ્રક્રિયા યોજાશે. મોહન કુંડારીયા, અમી પારેખ અને ગૌતમ ગેડીયા નિરીક્ષક તરીકે હાજર રહ્યા છે.
પેટા ચૂંટણી તેમજ આગામી ગ્રામપંચાયત ચૂંટણી માટે ઉમેદવારોના નામો પર અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ અને સંગઠનના મહત્વના સભ્યો હાજર રહેશે. ચૂંટણી અંગેના આ અહેવાલોથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં રાજ્યના રાજકીય પરિપ્રેક્ષમાં ગરમાવો જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે