ગૌરવ પટેલ/ અમદાવાદઃ ગુજરાત કાંગ્રેસ પ્રભારી રાજીવ સાતવી અધ્યક્ષતમાં ગુજરાતની શહેરી વિસ્તાર ધરાવતી 10 લોકસભા બેઠકો જીતવા અંગે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્વિમ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, નવસારી, સુરત અને વડોદરા સહિતની બેઠકો તથા તેના દાવેદારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સંગઠનમાં જ્યાં ક્ષતિઓ રહેલી છે, પહેલા તેને દૂર કરવામાં આવી રહી છે. બૂથ જીતવાની રણનીતિ અંગે કામ ચાલી રહ્યું છે. નિરીક્ષકો સાથે બેઠક બાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં કોંગ્રેસની પેનલોને અંતિમ રૂપ આપી તે નામ હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે.
અમારી સરકાર આવશે તો દેશના દરેક નાગરિકને લઘુત્તમ વેતન આપીશું: રાહુલ ગાંધી
અમિત ચાવડાએ ભાજપા અને ભાજપાના નેતા તથા સરકારને આડે હાથ લીધા હતા. મેગા કેમ્પમાં વિજય રૂપાણીએ કાંગ્રેસ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતાં અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના કરાઈ હતી, જાહેર સાહસો શરૂ કરાયા હતા. જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં રોજગારી મળી રહી છે. આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ યુપી બિહારને પણ શરમાવે તેવી છે અને ભાજપના શાસનમાં મુખ્યમંત્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે સરકારના મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારમાં નંબર વન છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના દિવસો યાદ કરવાને બદલે પોતે શુ કર્યું તેનો હિસાબ આપવો જોઈએ.
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘાણીએ મહિલાઓ અંગે કરેલી ટીપ્પણી અને ત્યાર બાદ દિલસોજી વ્યક્ત કરવા દર્શાવેલી તૈયારી અંગે કહ્યું કે, જીતુ વાઘણીનું નિવેદન ભાજપના નેતાઓની હલકી માનસિકતાનું દર્શન કરાવે છે. તેઓ બોલીને ફરી જતા હોય પણ જવાબદાર પ્રમુખ તરીકે આવા નિવેદનો ચલાવી ના લેવાય. બોલીને ફરી જવું એ ભાજપની નીતિ રહી છે. મહિલાઓનું અપમાન થયું છે એ બદલ માહિલાઓ માફ નહીં કરે.
ભાજપમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ, રાજ્યની 26 લોકસભા બેઠક જીતવા ઘડાઈ રણનીતિ
તેમણે ઉમેર્યું કે ભાજપના નેતાઓ ને કહેવાવાળું કોઈ નથી. ઈરાદાપૂર્વક બોલ્યું હોય, ચોક્કસ હેતુ સાથે બોલ્યું હોય એને માફ ન કરી શકાય. જે રાષ્ટ્રધ્વજ અને મહિલાઓ - માતાઓનું અપમાન કરતા હોય એવી વ્યક્તિઓએ કોંગ્રેસના વડાપ્રધાનની ચિંતા કરવાની જરૂર નથી. લોકોએ રાહુલજીના નેતૃત્વમાં વિશ્વાસ મુક્યો છે
અમિત ચાવડાએ નીતિન ગડકરીના નિવેદનને લઇને પણ ભાજપાને આડે હાથ લીધી હતી. ચાવડાએ કહ્યું કે, ગડકરીના નિવેદનથી તેમનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. ગડકરીએ ભલે નામ ન લીધું પણ તે તેમના વડાપ્રધાનની જ વાત કરી છે. તેમણે રેશમા પેટલે આપેલા નિવેદન પર પણ ટીપ્પણી કરી અને કહ્યું કે, મુખ્યમંત્રી જાતે સ્વીકારે છે કે તેમની સરકાર ભ્રષ્ટાચારી છે. ભાજપના અનેક નેતાઓ સરકારની વાસ્તવિકતા સામે લાવશે. લોકો જાણી ગયા છે કે ભાજપનું ચરિત્ર જૂઠ્ઠું બોલવાનું છે અને આનો જવાબ પ્રજા 2019માં આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે