સુરતઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. તેમણે અહીં મીની બજાર ચોકસી બજારમાં હીરા વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ કેજરીવાલે કતારગામ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. આ રોડશોમાં નાનું છમકલું જોવા મળ્યું હતું. અહીં કેજરીવાલની ગાડી પર એક પથ્થર ફેંકવામાં આવ્યો હતો.
કેજરીવાલની રેલીમાં પથ્થર ફેંક્યો
સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા કેજરીવાલે કારમાં રોડશો કર્યો હતો. અહીં મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પર એક પથ્થર કોઈએ ફેંક્યો હતો. આ પથ્થર કારના બોનેટ પર પડ્યાં હતા. જેમાં કોઈને ઈજા થઈ નથી. ત્યારબાદ પોલીસના જવાનો મોટી સંખ્યામાં કેજરીવાલની સુરક્ષા માટે ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ કેજરીવાલે કહ્યુ કે 27 વર્ષમાં કામ કર્યાં હોત તો આજે પથ્થર મારવાની જરૂર પડત નહીં. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ કહ્યુ કે, આ પથ્થરનો જવાબ ચૂંટણીમાં જનતા આપશે.
’આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરાવશું, બધી જૂની ફી પાછી અપાવીશું: અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં ખાનગી શાળાઓએ લૂંટ મચાવી હતી. અમે આવતાની સાથે જ તમામ ખાનગી શાળાઓનું ઓડિટ કરાવ્યું. દેશની મોટી શાળાઓ વિશે જાણવા મળ્યું કે તેઓએ ₹50000 કરોડની બેંકમાં FD જમા કરાવી છે. તમારી ફી વધારીને તમને લૂંટી રહ્યા છે અને તમારી ફી થી બેંકમાં એફડી કરાવીને રાખી છે. આ એક બહુ મોટો ગુનો છે, જે પણ શાળાઓ છે તે ચેરીટેબલ ટ્રસ્ટ હોય છે, તેઓ પૈસા ભેગા કરી શકતા નથી. પૈસા ભેગા કરવા એ ગુનો છે. તેમની તમામ શાળાઓની એફડી તોડાવી અને તમામ જૂની ફી પરત કરાવી. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તેમણે જેટલી ફી લીધી હતી તે બધા પૈસા અમે વાલીઓને પાછા અપાવ્યા. ભારતના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે તમારી બેંકમાં શાળામાંથી પૈસા પાછા આવ્યા હોય. અને ત્યાર બાદ આદેશ જાહેર કર્યો કે સરકારની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ફીમાં વધારો કરી શકશે નહીં. જો તમારે ફી વધારવી હોય તો તમારે સરકારને કહેવું પડશે કે તમે શા માટે ફી વધારવા માંગો છો. દિલ્હીમાં 7 વર્ષથી કોઈએ ફી વધારી નથી, ગુજરાતમાં પણ આવું કરીશું. સરકારી શાળાઓ પણ ઠીક કરવાની છે, ખાનગી શાળાઓ પણ ઠીક કરવાની છે અને આ નિયત માત્ર આમ આદમી પાર્ટીની પાસે છે.
આ પણ વાંચોઃ બીજા તબક્કામાં 187 ઉમેદવાર કરોડપતિ, 92 ઉમેદવાર સામે ગંભીર ગુનાઓઃ ADR રિપોર્ટ
ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.
આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છેઃ અરવિંદ કેજરીવાલ
આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર લાગી રહ્યો છે કે જો કેજરીવાલની સરકાર આવી ગઇ અને તે બધું લોકોમાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. આ લોકોએ ગમે તે કરીને નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઈએ. ગુજરાતની અંદર જોરદાર આંધી ચાલી રહી છે પરિવર્તનની. સમગ્ર ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ના જીતાડી દેતા. કોંગ્રેસને વોટ આપીને તમારો વોટ ના બગાડતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તે જેટલી પણ સીટો આવશે તે પછીમાં ભાજપમાં જોડાઇ જાશે. આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકારની જરૂર છે. હું અહીં માત્ર એક મોકો માંગવા આવ્યો છું. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. જો હું કામ ના કરું તો એનાં પછી હું વોટ માંગવા નહીં આવું. એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, તમે બધા આ પરિવર્તનનો ભાગ બનો. આપણે સૌ સાથે મળીને નવું ગુજરાત બનાવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે