મુસ્તાક દલ/જામનગર :ભાજપના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જામનગરમા મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલ (Hardik Patel) આજે પ્રથમ વખત હાલારની મુલાકાત લીધી હતી. ત્યારે જામનગર બાયપાસ ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં એક નિવેદનમાં હાર્દિક પટેલે ગુજરાત સરકારને આડે હાથ લીધું હતું.
ભાજપ દ્વારા ગઇકાલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષના પદે સી આર પાટીલની નિમણૂક મામલે આકરી ટકોર કરતા હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપને ગુજરાતમાં કોઇ ખમીરવંતો ગુજરાતી ન મળ્યો. જેથી સી.આર. પાટીલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવ્યા. ભાજપ માને છે કે ગમે તેને પ્રદેશ અધ્યક્ષ બનાવો, મત તો ભાજપને મળશે તે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષની પસંદગી પરથી ભાજપે સાબિત કરી બતાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ વિહોણી બની છે.
ભગવાન દ્વારકાધીશના દર્શને જતી વેળાએ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમા વધુ જણાવ્યું હતું કે, ગુજરાતની હાલની પરિસ્થિતિમાં ભાજપ સરકાર સામે લડવા માટે દ્વારકાધીશના દર્શન જરૂરી છે. ગુજરાતના વિભિન્ન મુદ્દાઓને લઈને સમગ્ર કોંગ્રેસ સાથે મળીને લડશે. સૌરાષ્ટ્રમાં હાલની ખેડૂતોની પરિસ્થિતિ મામલે સરકારે જવાબદારી નિભાવવી જોઈએ. ગુજરાત સરકાર રોજગારી અને ખેડૂતોના મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે. ખેડૂતોના દેવા માફ કરી અને પાક વીમો આપવો જોઈએ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી જોડિયા ધ્રોલ સહિતના વિસ્તારોના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. શિક્ષિત અને બેરોજગાર યુવાનોને રાજ્ય સરકારે રોજગારી આપવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે