જુનાગઢ :સમય એવો આવ્યો છે કે, આજકાલ માણસને બધુ મળી જાય છે, પણ વાત કરવા માટે માણસ મળતો નથી. સંયુક્ત પરિવારોમાં આ સમસ્યા ક્યારેય આવતી ન હતી, પરંતુ જ્યારથી પરિવારો અલગ થવા લાગ્યા છે અને લોકો નાનુ કુટુંબ સુખી કુટુંબ અપનાવવા લાગ્યા છે ત્યારથી ઘરમાંથી માણસો ગાયબ થવા લાગ્યા છે. માતાપિતા નોકરી પર અને સંતાનો શાળા તથા કોલેજ બાદ મોબાઈલમાં ખોવાયેલા રહે છે. આવામાં એકબીજા સાથે વાતચીતનો વહેવાર બંધ થઈ ગયો છે. આવામાં પરિવારના વૃદ્ધો સાવ એકલતા અનુભવે છે. ત્યારે હવે વાત કરવા માટે માણસો આપતી લાઈબ્રેરી શરૂ થઈ છે. જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢની કલેક્ટર ઓફિસ ખાતે હ્યુમન લાઈબ્રેરી શરૂ કરાઈ છે, જે દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી છે. જ્યાં વાત કરવા માટે માણસ ઈશ્યુ થશે. અત્યાર સુધી તમે જોયુ-સાંભળ્યુ હશે કે લાઈબ્રેરીમાં પુસ્તકો ઈશ્યુ થાય છે, પરંતુ આ લાઈબ્રેરીમાં બોલવા માટે માણસ ઈશ્યુ કરી શકાય છે. આ માણસ સાથે તમે પોતાના સુખદુખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો. તેની સાથે બેસીને તમે મોકળાશથી વાત કરી શકશો.
આ પણ વાંચો : વાતાવરણમાં આવેલી ઠંડકથી હરખાઈ ન જતા, ચોમાસા પહેલા ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે
આ અનોખી લાઇબ્રેરીને જૂનાગઢ કલેક્ટર દ્વારા ગુરુવારનાં રોજ ખુલ્લી મૂકવામાં આવી. હાલ આ સુવિધા માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે, પરંતુ બાદમાં સામાન્ય નાગરિકો માટે પણ શરૂ થશે.
આ લાઈબ્રેરી ખાસ હેતુથી શરૂ કરવામા આવી છે. જુનાગઢના કલેક્ટર રચિત રાજ જણાવે છે કે, ઘણીવાર એવુ બને છે કે વ્યક્તિ પોતાના મનની વાતો કોઈને કહેતો નથી. તે અંદરને અંદર મૂંઝાયા કરે છે. જેની અસર તેના કામ પર પડે છે. તેથી જ અમે લાઈબ્રેરી શરૂ કરી છે, જેમાં કર્મચારી આવીને પોતાના મનનો ભાર ઓછો કરી શકે છે. સાથે જ અમારો હેતુ લોકો મોબાઈલનો ઓછો વપરાશ કરે એ પણ છે.
આ પણ વાંચો : મોરબી દીવાલ હોનારતમાં એક જ પરિવારના 6 ના મોત, કમાનાર લોકોના મોતથી પરિવાર નોંધારો બન્યો
તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા ડેન્માર્કમાં આ પ્રકારની લાઈબ્રેરીનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જે સફળ નીવડ્યો હતો. જૂનાગઢના કલેક્ટર રચિત રાજે વિવિધ દેશોની સ્ટડી ટુર કરી હતી, જેમાં તેઓ ડેન્માર્કની લાઈબ્રેરી વિશે પરિચિત થયા હતા. જેથી તેમણે જૂનાગઢમાં પણ આ પ્રકારે લાઈબ્રેરી શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે