Gujarat News : ગુજરાતની બે મોટી ડેરીમાં સફેદ દૂધનું રાજકારણ ગરમાયું છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી મહેસાણાની દૂધસાગર ડેરીમાં બોર્ડ મિટિંગ વહીવટના કારણે ઉગ્ર બની હતી. તો દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીમાં પણ કાળા કારોબારના આક્ષેપ થયા છે.
સુમુલની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પહેલાં જ સફેદ દૂધનું રાજકારણ ગરમાયું છે. સુરત-તાપીમાં કાર્યક્ષેત્ર ધરાવતી ડેરીના વહીવટ પર કબજો જમાવવા તમામે સોગઠાં ગોઠવવાનો આરંભ કરી દીધો છે. ત્યારે મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાંઓમાં દૂધ લાવી સુમુલ ડેરીને પધરાવતી રૂપ મંડળીઓને ડેરીએ ૩.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મંડળીઓને દંડ ફટકારતા સુમુલના વર્તમાન ઉપપ્રમુખ રાજેશ પાઠકે (રાજુ પાઠક) પોતાના મળતિયાઓ સાથે મળીને મંડળીઓને ફટકારેલો દંડ માફ કરાવવા પ્રમુખ તથા મેનેજિંગ ડિરેક્ટર પર દબાણ ઊભું કર્યું હતું. તેમજ મંડળીઓના સંચાલકોને ડેરી પર બોલાવી મેનેજિંગ ડિરેક્ટર સહિત કેટલાક ડિરેક્ટરોની હાજરીમાં બેઠક કરી હતી. આ બેઠક સમયે સુમુલ ડેરીના વર્તમાન ઉપપ્રમુખ રાજુ પાઠકે પિત્તો ગુમાવ્યો હતો. તેમજ સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતને મારવા માટે હાથ ઉગામ્યો હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. સુમુલ ડેરીના અધિકારીઓની કેડરમાં સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન એવા નિષ્ઠાવાન મેનેજિંગ ડિરેક્ટરને તમાચો મારવા હાથ ઉગામતા ત્યાં ઉપસ્થિત લોકો હક્કાબક્કા રહી ગયા હતા. મેનેજિંગ ડિરેક્ટર સામે હાથ ઉગામતા સુમુલ ડેરીના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ મામલે હજુ સુધી ડેરીના પ્રમુખ માનસિંહ પટેલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
જુલાઈમાં ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, હચમચાવી દેતી અંબાલાલની નવી આગાહી
સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની તાનાશાહી વિરુદ્ધ સચિવને રિપોર્ટ કરાયો છે. 300 કર્મીઓની ભરતી અટકાવી રાખી હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. સુમુલ ડેરીમાં પ્રમુખ અને એમડીને ઘેરવા વિરોધી જૂથ સક્રિય બન્યું છે. જે જોતા સુમુલ ડેરીની આજે મળનારી બોર્ડ બેઠક મોકૂફ રખાઈ છે. દૂધ મંડળીના વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે MD પર હાથ ઉગામતા ચકચાર મચી ગઈ છે. બહારથી દૂધ લાવી સુમુલને પધરાવતી મંડળીઓને ૩.૨૫ કરોડનો દંડ ફટકાર્યો હતો. અગાઉ બોર્ડ બેઠકમાં તમાચો મારવા હાથ ઉગામ્યો હોવાની ચર્ચા ઉઠી છે.
દૂધસાગર ડેરીમાં બોર્ડ મિટિંગ ઉગ્ર બની
ગતરોજ દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં પ્રશ્નોત્તરી દરમ્યાન બબાલ થઈ હતી. વાઇસ ચેરમેને ચેરમેનને પ્રશ્ન કર્યા હતા. બોર્ડ મીટિંગમાં તેઓએ પ્રશ્ન પૂછતાં ચેરમેને ઉશ્કેરાઇ લાફો માર્યાનો આક્ષેપ થયો છે. ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાઈ જતા વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલો મહેસાણા બી.ડિવિઝન પો.સ્ટે.પહોંચ્યો હતો.
ગાંધીનગરની હાલત જોઈ ગુસ્સે થયા અમિત શાહ! બેઠકમાં લીધો અધિકારીઓનો ક્લાસ
વાઇસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપ મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન એવું છે કે, સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો છે. પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે. છેલ્લા સાડા ચાર વર્ષથી ડેરીના સુલભ અને કુશળ વહીવટથી પશુપાલકો ખુશ છે. મારા પર કરાયેલા આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. વાઇસ ચેરમેન જે પ્રશ્નો લઈને આવ્યા હતા અમે તેનો જવાબ આપ્યો છે. વાઇસ ચેરમેન યોગેશ પટેલે બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝગડો કરવાના છે તેવું કહી દીધું હતું. યોગેશ પટેલે ઉગ્ર બની અસભ્ય વર્તન કર્યું હતું. અમે તેમને સમજાવ્યા અને તે જાતે બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. લાફો મારવાનો આક્ષેપ પાયાવિહોણા છે. તેઓ વાતાવરણ ડહોળવા જ આવ્યા હતા.
દૂધ સાગર ડેરીમાં ખરું કારણ આંતરિક જૂથવાદ
મહેસાણા દૂધ સાગર ડેરીમાં વર્ષ-૨૦૨૪માં ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન પદે યોગેશ પટેલની વરણી ભાજપ સંગઠનની મધ્યસ્થીથી કરવામાં આવી હતી. જોકે આ બંને હોદ્દેદારો વચ્ચે ત્યારથી આંતરિક ટાંટિયા ખેંચ ચાલી રહી હતી. હાલ ડેરીમાં ભાજપ સમર્થિત સત્તાધીશ ડીરેકટરોમાં છેલ્લા કેટલાક સમયથી ઘુઘવાઈ રહેલ અસંતોષ સામે આવી જતાં ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન પદ માટે ભાજપે માણસા પંથકમાંથી ચુંટાયેલા ડીરેકટર યોગેશ પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળતાં તેઓ બિનહરીફ થયાં હતા. પરંતુ તે વખતે વર્તમાન ચેરમેને અશોક ચૌધરીએ છ માસ માટે યોગેશ પટેલ અને પાછલા એક વર્ષ માટે રમીલાબેન ઠાકોર વાઈસ ચેરમેન રહેશે તેવું નિવેદન મિડીયા સમક્ષ કરતાં વિવાદ વકર્યો હતો. જોકે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન દૂધસાગર ડેરીમાં ભાજપ પ્રેરિત બંને જૂથના મુખ્ય હોદ્દેદારો ચેરમેન અને વાઈસ ચેરમેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદ ચાલતો હોવાની ચર્ચા ઊઠી હતી. ત્યારે શુક્રવારે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેન યોગેશ પટેલને તમાચો ઝીકી દેતાં બંને હોદ્દેદારો વચ્ચેનો વિખવાદ સપાટી પર આવી ગયો હતો.
ગુજરાતમાં પાટીદારો કંઈક મોટું કરશે, ફરી ભેગા થઈ રહ્યાં છે અનામત આંદોલનના નેતાઓ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે