Visavdar Byelection Result : વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જીત્યા પછી ગોપાલ ઈટાલિયાએ છેલ્લો એક દાવ પણ ખેલી નાંખ્યો અને પોતાના વિજય સરઘસમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા માટે જિંદાબાદના નારા પોકાર્યા. જૂનાગઢ જિલ્લાની રાજનીતિને ઝીણી નજરે જોનારાંનાં મતે જવાહર ચાવડાને આમઆદમી પાર્ટીમાં જોડાવાનું આ આડકતરું નિમંત્રણ હોઈ શકે.
જીત ગોપાલની, અને જય જવાહરની
જીત ગોપાલ ઇટાલીયાની થઇ અને જયકાર જવાહર ચાવડાનો થયો. વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો વિજય થયો છે, તેના બાદથી સોશિયલ મીડિયા પર એક જ વીડિયો ફરતો થયો છે. જેમાં ગોપાલ ઇટાલીયા સાથે તેમના સમર્થકો પુર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના જય જય કારના નારા લગાવી રહયા છે. આ વીડિયોએ રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાવી છે.
ભાજપના ગઢમાં કેજરીવાલની કૂટનીતિ, સાઈડલાઈન થઈ રહેલી કોંગ્રેસ માટે આ છે ખતરાના સંકેત
જૂની દુશ્મનીના ઘાવ ખોતરવાનો દાવ
ચૂંટણી વિસાવદરમાં હતી અને જવાહર ચાવડાનું કાર્યક્ષેત્ર કેશોદ છે. તેમ છતાં પેટાચૂંટણીના પ્રચારમાં જવાહર ચાવડા છવાયેલા રહ્યા. કારણ કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચેની રાજકીય કડવાશ જગજાહેર છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કોઈ મોટી તક ન મળે એ માટે કિરીટ પટેલે થઈ શકે એ તમામ પેરવી કરી હોવાનું કહેવાય છે. જવાહર ચાવડાને સ્થાનિક કે જિલ્લાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાથી માંડીને તેમની સાથે સલામત અંતર રાખવાની કડક તાકિદને લીધે ભાજપના કાર્યકરો પણ દૂર રહેતા હતા. આથી દિગ્ગજ નેતા એકલા પડી ગયા હોવાની છાપ ઉપસે છે.
ચાવડા હવે AAPમાં જોડાશે?
ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો. એ પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખાટો થઈ રહ્યો હોય એમ જણાય છે. તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકાયુદ્ધ છેડી દીધું હતું જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યું. આથી જ વિસાવદરના ચૂંટણીપ્રચારમાં ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે નહિ પરંતુ કિરીટ પટેલ હારે એ માટે ચાવડાના સમર્થકો, ટેકેદારોને રસ હોય એ સમજી શકાય છે. એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઈટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા. હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમાંતરે જવાહર ચાવડાને પણ કશું કહ્યા વગર આમઆદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી. હવે જવાહરભાઈ પર સૌની નજર છે.
કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી, આ પ્રવક્તાને કરાયા સસ્પેન્ડ, દિલ્હીથી સીધો આવ્યો ઓર્ડર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે