ઝી બ્યુરો/જૂનાગઢ: ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને અન્ય નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ હોદ્દેદારોની નિમણૂંક કરાઈ જેમાં જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને પલ્લીબેન ઠાકરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી થઈ છે. જ્યારે મનન અભાણી શાસક પક્ષના નેતા બન્યા છે, પરંતુ ક્યાંકને ક્યાંક જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 65 નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં કાચુ કપાતા ફરી એકવાર કકળાટ શરૂ થયો છે.
ચૂંટાયા પછી પ્રમુખ અને મેયર પદની લ્હાણી
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરપદે ભાજપે ધર્મેશ ધીરૂભાઈ પોશીયાની પસંદગી કરતા જ આ ચૂંટાયેલા જનપ્રતિનિધી ઓગસ્ટ- 2021માં જે રીતે જૂગાર રમતા ઝડપાયા હતા તેનો કાદવ ઉછળી રહ્યો છે. એ જ રીતે ધોરાજીમાં પાલિકાના પ્રમુખ તરીકે પસંદ કરાયેલા સંગીતા ચેતનભાઈ બારોટની રિલ્સને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. જેમની પસંદગી કરી છે તે સંગીતા બારોટે એક સમયે સોશિયલ મિડિયામાં પીણું અને હુક્કો પીતા હોય તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો. આ રિલ્સને કારણે ભાજપ કેવા કાર્યકરોને ચૂંટણી લડવા ટિકીટો આપે છે, ચૂંટાયા પછી પ્રમુખ અને મેયર પદની લ્હાણી કરે છે તેની ચર્ચા સપાટીએ છે.
કરજણ, કુતિયાણા, સલાયા, ખેરાલુ, બીલીમોરા અને હારીજને હોદ્દેદારો મળ્યા!
ગુજરાતમાં તાજેતરમાં પ્રથમ વખત 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જો કે ભાજપના વિજય બાદ આજે નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ. કરજણ, કુતિયાણા, સલાયા, ખેરાલુ, બીલીમોરા અને હારીજ સહિતની પાલિકાને પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો મળી ગયા. હારીજ નગરપાલિકામાં પક્ષપલટો કરનાર કિનલ મહેતાને લોટરી લાગી. ભાજપે ટેકો જાહેર કરતાં કિંજલ મહેતા હારીજ પાલિકાના પ્રમુખ બન્યા છે. તો પોરબંદરની કુતિયાણા પાલિકામાં પ્રમુખ પદે શાંતિ ઓડેદરા અને ઉપપ્રમુખ કાના સરમણ જાડેજાનું નામ જાહેર થયું છે.
ભાજપે મોટાપાયે મુસ્લિમ ઉમેદવારોને કમળના મેન્ડેટ સાથે ઉતાર્યા
જૂનાગઢના મેયરપદ માટે ભાજપે પસંદ કરેલા ધર્મેશ પોશીયાને પોલીસે 2.71 લાખના મુદ્દામાલની સાથે જૂગારનો કેસ નોંધ્યો હતો. એ વખતે પણ પોશિયા જૂનાગઢના નગરસેવક જ હતા. આ ચૂંટણીમાં ભાજપે મોટાપાયે મુસ્લિમ ઉમેદવારોને કમળના મેન્ડેટ સાથે ઉતાર્યા હતા. તેમાંથી 21 તો બિનહરીફ ચૂંટાયા હતા. પ્રમુખ- ઉપપ્રમુખોની પસંદગીમાં ભાજપે મહુધા, વંથલી એમ બે પાલિકામાં મુસ્લિમ જનપ્રતિનિધીઓને ઉપપ્રમુખ બનાવ્યા છે તો કોડીનાર અને છોટાઉદેપુર જેવી મોટી પાલિકામાં પ્રમુખપદનું કમાન સોંપ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે