ચિરાગ જોશી/ડભોઈ :ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે હવે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના કાર્યકર્તાઓને એક જૂથ થવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે. આવામાં વડોદરાના કરજણ (karjan) ની ખાલી બેઠક ઉપર 3 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ધારાસભ્યોને પ્રચાર માટે હવે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પેટાચૂંટણી પહેલા આ બેઠકનું ગણિત જાણીએ. જાણી લઈએ કે મતદારોનો મિજાજ કોના તરફી છે. કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે પક્ષપલટો કરતા આ બેઠક ખાલી પડી હતી. જોકે, હજી સુધી બંને પક્ષોએ બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યાં નથી. પણ કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વાંદરાની આ તસવીર માટે ફેમસ ઉદ્યોગપતિએ રાખ્યું ઈનામ, જીતનારને મળશે કાર
કરજણ બેઠક પર શિનોર તાલુકાનુ વર્ચસ્વ
જેમાં કરજણ બેઠક ઉપર શિનોર તાલુકાનું વર્ચસ્વ રહેલું છે ત્યારે ભરૂચના અને ડભોઈનાં ધારાસભ્યોને શિનોરની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં હવે થોડા દિવસ રહ્યા છે. મતદાનને લઇને આજરોજ શિનોરના અનસુયા ગામે ધારાસભ્યો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા હતા.
જીતનો ભાજપનો દાવો
ઉલ્લેખનીય છે કે હજી ભાજપમાં પોતાનો ઉમેદવાર જાહેરાત કરવામાં નથી આવ્યો. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલનું નામ હાલ નિશ્ચિત છે. આવામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોની વાત ગામડાઓ સુધી પહોંચાડવા માટે સજજ બન્યા હતા. આજના સમગ્ર ચૂંટણી પ્રચારની જો વાત કરવામાં આવે તો સેગવા અનસુયા અને માલસર ગામ થકી 5000 જેટલા લોકોનો સંપર્ક કરવાનું બીડું ધારાસભ્યો દ્વારા ઝડપવામાં આવ્યું છે. સાથે જ મહત્વની વાત એ છે કે, ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું કે, કરજણ બેઠક ઉપર રાહુલ ગાંધીને પણ ટિકીટ આપવામાં આવે તો તેમને પણ હારનો સામનો કરવો પડે એવો અમારો વિશ્વાસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે