અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા માટે દરેક પક્ષ અને સરકારી અધિકારીઓ દ્વારા અવનવા પેતરા અપનાવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આશરે ૧૬,૩૭૫ જેટલા દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ લાવવા માટે પ્રેમદાસ પ્રજાપતિ નામના 60 વર્ષીય વૃદ્ધ દ્વારા કહેવામાં આવેલા અમુક અંશઓ છે. 60 વર્ષીય પ્રેમદાસ પ્રજાપતિ માત્ર ૨ વર્ષની ઉંમરથી જ દ્રષ્ટિ ગુમાવી ચુક્યા છે. તેમણે નરી આંખે સૃષ્ટિ નથી જોઈ એમ કહીએ તો ખોટુ પણ નથી. પણ દુનિયાદારીનું જ્ઞાન ભરપુર છે. લોકશાહીની પ્રક્રિયામાં મતદાનનું સૌથી મહત્વનું કામ છે. આ મતદાન ન કરીએ તો શું થાય.? એ પ્રશ્નનો સહજ ઉત્તર આપતા તેઓ કહે છે કે. ‘હું માનુ છુ કે મતદાન ન કરવું એ તો પાપ છે’. આપણે આપણા અધિકાર-હકક માટે સદાય તત્પર રહીએ છે. પરંતુ ફરજ અદા કરવાની વાત આવે ત્યારે આપણે પાછીપાની કરીએ છે. મારા મતે તો દિવ્યાંગ અમે નથી પણ મતદાન કરવાન જનારા જ માનસિક રીતે દિવ્યાંગ છે.
21 વર્ષીય જયદીપ પીપરોતર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. અમદાવાદ રહી અભ્યાસ કરતા જયદીપભાઈની ઉંચાઈ આમ તો ૨.૧૦ ફૂટ છે. તેઓ કહે છે કે મારી શારીરિક ઉંચાઈ ભલે ઓછી હોય પણ મારી વૈચારિક ઉંચાઈ અનેક ગણી વધારે છે.
અપંગ માનવ મંડળમાં ગૃહ પતિ તરીકે સેવા આપતા અલ્પેશ ચૌહાણ કહે છે કે,‘મને પોલીયો થયો છે. માત્ર સવા બે વર્ષની નાની ઉંમરથી જ આ બીમારી લાગી ગઈ હતી. હું છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ ચેરમાં ફરુ છું. પણ હું હિંમત નથી હાર્યો. શારીરિક રીતે સક્ષમ લોકો મતદાનના દિવસે ટી.વી સામે ગોઠવાઈને આખો દિવસ મનોરંજન માણે છે. અને પાંચ વર્ષ સુધી સરકારે શું કરવું જોઈએ તેની ચર્ચા કરતા રહે છે. પણ થોડો સમય કાઢીને મતદાન કરવા નથી જતા. એ બહુ દૂ:ખદ છે.’
આજ રીતે ૨૪ વર્ષના મનદીપ ગોહીલ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટ્રક્ટર છે તેઓ તો માત્ર ૩ ફૂટની ઉંચાઈ ધરાવે છે. તેઓ પણ કહે છે કે, ’મારા મનમાં મેં શારીરિક અવસ્થાને લીધે ક્યારેય લઘુતાગ્રંથિ નથી અનુભવી. અમે મતદાન અચુક કરવા જઈએ છે. ૪.૫ ફૂટની ઉંચાઈ ધરાવતા શ્રી તુલસી ભોઈ પણ કહે છે કે, ચુંટણી તંત્ર અમારા માટે વ્હીલચેર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તે ખરેખર સરાહનીય છે. આને લીધે અમારી મતદાન કરવાની ફરજ ખુબ સરળ રીતે અદા થઈ શકે છે.
મહત્વનું છે, કે, લોકસભાની ચુંટણી ગુજરાતમાં ૨3મી એપ્રિલે યોજાવાની છે. અમદાવદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ચુંટણી શાંતિ પુર્ણ રીતે સંપન્ન થાય તેની સાથે-સાથે મહત્તમ મતદાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત છે. શારીરિક અક્ષમતા હોય તો પણ કોઈની દયા પર નહી જીવવાની કટિબધ્ધતા ધરાવતા આ દિવ્યાંગજનો ખરેખર તો બધી રીતે સક્ષમ છે એમ કહેવું ખોટુ નથી.
અમદાવાદ જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની સાથે સાથે દિવ્યાંગ મતદારો માટે તંત્રએ વિશેષ સુવિધા ઉભી કરી છે. જિલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે કહે છે કે, ‘આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે ઢોળાવ અથવા તો વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર જિલ્લામાં અંદાજે 450 વ્હીલ ચેરની વ્યવસ્થા તથા 1092 સહાયકો ઉપલબ્ધ કરાશે.’
અમદાવાદ જિલ્લામાં ક્યાં છે કેટલા દિવ્યાંગ મતદારો
આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલન ચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં સંપુર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૨,૨૯૮ મતદારો, ૧૯૯૧ મૂક બધિર, સંપુર્ણ હલનચલન ન કરી શકે તેવા ૬,૯૭૫ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૫,૧૧૧ મતદારો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે