અમદાવાદ :રાજ્ય પરથી મહા વાવાવઝોડા (maha cyclone)નું સંકટ ટળી ગયું છે. પરંતુ હજુ કમોસમી વરસાદનો ખતરો બરકારર છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. શનિવારે રાજ્યના 115 તાલુકાઓમાં માવઠું થયું. આ માવઠું પણ માવઠું કહેવા જેવું નથી. ઘણા તાલુકાઓમાં તો 3-3 ઈંચ નુકસાનીનો વરસાદ ખાબક્યો છે. મહા વાવાઝોડાને કારણે ગુજરાતમાં શનિવારે કુલ 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 84 MM વરસાદ નોંધાયો. ‘મહા’વાવઝોડાને પગલે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે.
15 NDRFની ટીમ સજ્જ
‘મહા’વાવઝોડાને પગલે ગુજરાત સરકાર દ્વારા દરિયા કાંઠે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પરથી વાવઝોડાની સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ, ગુજરાતના જિલ્લા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કર્યાં છે. હાલ આ મામલે રાજ્ય સરકાર સતર્ક અને તંત્ર એલર્ટ મોડ છે.
માછીમાર અને ખેડૂતોની હાલત કફોડી
ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું આવનારા દિવસોમાં નબળુ પડશે. પરંતુ રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈને 8 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ચોમાસામાં ચાર મહિના માછીમારો સમુદ્રથી દૂર રહ્યા અને હવે શિયાળો આવવા છતાં માછીમારોને હવામાન પરેશાન કરી રહ્યું છે. આવી જ સ્થિતિ ખેડૂતોની છે. રાજ્યના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. ખેતરમાં ઊભો કપાસ નાશ પામ્યો છે. ખેતરમાં વાઢેલી જુવાર પર પાણી ફરી વળ્યું છે. ઉગતા રાયડામાં પાણી ભરાતાં શિયાળુ વાવેતર સાફ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જીરાની સીઝન સમયે આકાશમાંથી કોપ વરસી રહ્યો છે, જેથી શિયાળુ વાવેતર કેવી રીતે કરવું તે મહામુસીબત બની ગઈ છે. ચોમાસામાં જે વધ્યો ઘટ્યો ઘાસચારો થયો તે પાણીમાં તરી રહ્યો છે. મગફળી પકવનારા ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે.
Birthday Pics... શાહરૂખની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘આઈ લવ યુ SRK....’
સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાં ક્યાં વરસાદ
શનિવારે મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ શનિવારે કમોસમી વરસાદ નોંધાયો. વરસાદથી ખેડૂતોની સાથે સાથે અગરિયાઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો મોરબીના અનેક ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે મોરબીના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. પોરબંદરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. બોટાદ અને અમરેલીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જેને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ઊભા પાકનો સફાયો થઈ ગયો છે.
ગુજરાતના દરિયામાં સક્રિય થયેલા મહા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમા કમોસમી વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લામાં માવઠું બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. વરસાદથી જિલ્લાના ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. દરિયાની નજીક હોવાથી આ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ શહરેમાં પડેલા વરસાદથી શહેરીજનો અટવાયા હતા. તો સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
દક્ષિણ ગુજરાતમાં ચીકુ-કેળાની ખેતી બગડી
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું કહેર મચાવી રહ્યું છે. ચીકુ અને કેળાંની ખેતી કરતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાછળ હાથ ધોઈને પડી ગયો છે. નવસારી, ડાંગના અનેક વિસ્તોરોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો.
ગુજરાતના દરિયા કિનરે સર્જાયેલા લો પ્રેસરને કારણે દરિયામાં મહા વાવાઝોડાનું સર્જન થયું છે. જેના કારણે દરિયો ન ધરાવતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાં તમામ જિલ્લાના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમામમાં નુકસાની થઈ હોવાના સમાચાર છે. ખેડૂતોની સાથે સાથે શહેરના લોકો પણ કમોસમી વરસાદના કારણે પરેશાન થઈ રહ્યા છે. દેવદિવાળી નજીકમાં છે ત્યારે શિયાળાના બદલે ફરીથી ચોમાસું બેસી ગયું છે જેથી શહેરના લોકો પણ સમજી નથી શકતા કે રેઈનકોટ લઈને બહાર નીકળવું કે સ્વેટર લઈને બહાર નીકળવું.
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આકાશમાંથી વરસી રહ્યો છે પ્રકોપ. અમદાવાદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે કમોસમી વરસાદ નોંધાયો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. વડોદરામાં પણ કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે સૌથી વધારે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે