અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના ડીસાના ગાંધી ચોક વિસ્તારમાંથી વન સંરક્ષણ હેઠળ આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. જેમાં વન વિભાગની ટીમે વેપારી પાસેથી વાઘ-સિંહના નખ, દાંત, શાહુડીના પીંછા, શિયાળના આંતરડા સહિત 34 જાતના મૃત વન્ય પ્રાણીઓના અવશેષો જપ્ત કર્યા છે અને વેપારીની અટકાયત કરી તેને રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં અત્યાર સુધી અનેક ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ થતું હતું અને જિલ્લામાં સૌથી વધુ ડુપ્લીકેટ વસ્તુઓ પણ ડીસામાંથી ઝડપાઈ છે. પરંતુ હવે ડીસામાંથી વન્ય પ્રાણીઓના અવશેષો પણ વેપારી પાસેથી મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિધિના હેતુસર જંગલી પ્રાણીઓના શારીરિક અવશેષોનું વેચાણ થતું હોવાની વાત બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓને મળી હતી. જેના આધારે જિલ્લાના મદદનીશ વન સંરક્ષક ભરત ચૌધરી, આરએફઓ એલડી રાતડા અને મુકેશ માળી સહિતની ટીમે વોચ ગોઠવતા ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં એક શખ્સ જંગલી પ્રાણીઓના અવશેષ વેચતો હોવાની જાણ થઈ હતી. જેના બાદ વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો હતો. ઝડપાયેલ શખ્સ અર્જુન દિનેશચંદ્ર મોદી પાસેથી વન વિભાગની ટીમે વાઘ અને સિંહના નખ તેમજ દાંત, શાહુડીના પીંછા, શિયાળના આંતરડા સહિત શિડ્યુલ વનમાં આવતા પ્રતિબંધિત વન્યજીવોના 34 જાતના મૃગ અવશેષ જપ્ત કર્યા હતા.
બાતમીના આધારે એક વ્યક્તિ પાસેથી વનજીવોના અવશેષો ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે વનવિભાગને ડીસામાં એક શખ્સ વન્ય જીવ સંરક્ષણ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓ વેચતો હોવાની બાતમીના આધારે તપાસ કરી હતી. જેમાં અર્જુન દિનેશચંદ્ર મોદીને ઝડપી લેવાયો હતો અને તેની પાસેથી 34 પ્રકારના અલગ અલગ પ્રતિબંધિત વન્યજીવોના મૃગાવશેષ તેમજ પ્રતિબંધિત વનસ્પતિઓના અવશેષો મળી આવી છે. હાલ તેની અટકાયત કરી ડીસાની ચીફ જુલિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના રિમાન્ડ ના મંજુર કરતા તેને જેલના હવાલે કરાયો છે. જોકે વનવિભાગના અધિકારીઓ દ્વારા વન પ્રાણીઓના અવશેષો આરોપી ક્યાંથી લાવ્યો હતો. વન્ય પ્રાણીઓનો કોઈ શિકાર કરતું હતું કે કેમ તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે.
વન વિભાગના એસીએફ ભરત ચૌધરીએ જણાવ્યું કે, આરોપી જાતે શિકાર કરતો હતો કે કોઈ અન્ય લોકો તેમાં સામેલ હતા તે બાબતની તપાસ શરૂ કરાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે