ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. તેમાં અમદાવાદ શહેરમા કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી છે. સેકન્ડ વેવમાં કોરોના વાયરસ અમદાવાદમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ શહેરનો પશ્ચિમ વિસ્તાર સ્ફોટક સ્થિતિમાં છે. ખાસ કરીને બોડકડેવથી બોપલ સુધીનો વિસ્તાર કોરોના ઝોન બની ગયો છે. આ વિસ્તારની અનેક સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બની ગઈ છે. જેમા સફર પરિસર-1, આરોહી હોમ્સ, આરોહી રેસિડન્સી અને બોડકદેવના સેન્ચ્યુરી ટાવરમાં અનેક કેસ નોંધાયા છે. તો સફલ પરિસર-1 માં 42 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સફલ પરિસરમાં કોરોના કેસનો આંકડો 100ને પાર
અમદાવાદના સફલ પરિસરમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સફલ પરિસર-1માં 42 કેસ આવ્યા છે. 10 જેટલા આરટીપીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. ત્યારે અત્યાર સુધી કુલ 80 થી વધારે કેસ સફલ પરીસર-2 માં નોંધાયા છે. સફલ પરિસર-2 માં હાલ 17 પોઝિટિવ દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં સફલ પરિસર એક અને બેમાં કોરોના દર્દીઓને આંકડોને 100ને પાર પહોંચી ગયો છે.
અમદાવાદમા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો વધ્યો
Amc દ્વારા શનિવારે રાત્રે માઈક્રો કન્ટેઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ હતી. જેમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર પુનઃ 100 ના આંકડા પર પહોંચ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મોટો વધારો થયો છે. 11 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. અગાઉના 5 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 111 પર પહોંચી ગઈ છે. બોડકદેવમાં પ્રેમચંદનગર બાદ સેન્ચ્યુરી ટાવરમાં પણ કેસો વધી રહ્યાં છે. બીજી તરફ પૂર્વ વિસ્તારના ખોખરા અને કુબેરનગરની પાંચ જેટલી સોસાયટીઓમાં ૭૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ તો સાઉથ બોપલની જુદી-જુદી સોસાયટીઓમાં 5-10 જેટલા કેસ સામે આવી રહ્યાં છે.
અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ બૂથ પર લાઈન લાગી
કોરોનાના રેપિડ ટેસ્ટ માટે અમદાવાદમાં આજે પણ લાંબી લાઇન લાગેલી છે. એગ્રેસિવ ટેસ્ટ માટે ઉભા કરાયેલા બૂથ પર લોકો ટેસ્ટીંગ માટે ઉમટ્યા છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં ટેસ્ટીંગ બૂથ નજીવી સંખ્યામાં લોકો જોવા મળતાં હતા. પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસ વધતાં ટેસ્ટીગ બૂથ પર પણ લાંબી લાઇનો લાગી છે.
આ પણ વાંચો : ઊલટી થઈ જાય તેવી maggi બનાવતી મહિલા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો
સિવિલની ત્રણ હોસ્પિટલના દર્દીઓને ટ્રાન્સફર કરાયા
કોરોના કેસો વધતા સિવિલ કેમ્પસની 1200 બેડ હોસ્પિટલ ઉપરાંત કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. આ કારણે ત્રણે સુપર સ્પેશિયાલિટીના દર્દીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
શનિવારે સૌથી વધુ 1515 કેસ નોંધાયા
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કાળો કહેર ફાટ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1515 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 354 કેસો નોંધાયા છે. તો સુરતમાં 211 કેસ, વડોદરામાં 125 કેસ, રાજકોટમાં 89 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 9 કોરોના દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 13,285 કેસો થયા છે, જેમાં વેન્ટિલેટર પર 95 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કુલ 70,388 ટેસ્ટ કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે