ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના માધવપુરા વિસ્તારમાં અજીબ બનાવ બન્યો હતો. ભત્રીજાએ કાકાના આખા પરિવાર એસિડ એટેક (acid attack) કર્યો હતો. જેમાં પરિવારની બે બાળકીઓ, એક બાળક સહિત ચાર લોકોના ચહેરા બગડી ગયા છે. મકાન અને રૂપિયાની લેતીદેતીના મામલાને લઈને પરિવાર વચ્ચે વિખવાદ થયો હતો. ત્યારે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક ઝઘડાને અંતે ભત્રીજાએ આ પગલુ ભર્યું હતું. જેમાં ત્રણ માસુમોના ચહેરા બગડી ગયા છે.
વહેલી સવારે 5 વાગ્યે અજય એસિડનો ડબ્બો લઈ લક્ષ્મીબેનના ઘરે પહોંચ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, માધવપુરાના મહેંદી કુવા વિસ્તારમાં કંચનબેનની ચાલી આવેલી છે. આ ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરી સાથે રહે છે. લક્ષ્મીબહેને કાકા સસરા મોહન દંતાણી પાસેથી 6 વર્ષ પહેલા એક મકાન ખરીદ્યું હતું. ત્યારે તેમના પુત્ર અજય અને વિજય અવારનવાર આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. આજે વહેલી સવારે અજય દંતાણી અચાનક લક્ષ્મીબેનના ઘરમાં આવી ચઢ્યો હતો. પરિવારના તમામ લોકો સૂઈ રહ્યા હતા ત્યારે પાંચ વાગ્યાના અરસામાં તેણે મકાનની બારી પાસે આવીને બૂમાબૂમ કર્યું હતું. ઝઘડો કરવાના ઈરાદે આવેલ અજય સાથે એસિડનો ડબ્બો પણ લઈ આવ્યો હતો. બૂમાબૂમ કરતાની સાથે તેણે બારીમાંથી ડબ્બો ઉંચો કરીને અંદર એસિડ ફેંક્યું હતું. આ એસિડ અંદર સૂઈ રહેલા લોકો પર પડ્યું હતું.
બંને દીકરીઓ સૌથી વધુ દાઝી
એસિડ એટેકમાં લક્ષ્મીબેન, તેમની 5 અને 8 વર્ષની દીકરી તથા 10 વર્ષના દીકરા દાઝ્યા હતા. તમામના ચહેરા પર એસિડ પડતા તેઓ બરાડી ઉઠ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેકમાં બંને દીકરીઓના ચહેરા સૌથી વધુ બગડ્યા છે. સમગ્ર ઘટનામાં માધવપુર પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે