ગાંધીનગરઃ તાજેતરમાં મહી નદી પર બનેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો હતો. તંત્રના પાપે થયેલી આ દુર્ઘટનામાં 21 નિર્દોષ લોકોના મોત થયા હતા. હવે આ ગંભીરા બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે કે ૧૨ માસમાં પૂર્ણ કરવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. જેના માટે આગામી ૩ માસમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાશે.
વધુમા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતુ કે, વિભાગના આલેખન વર્તુળના ઇજનેરો, પુલોના નિષ્ણાંત કન્સલ્ટન્ટ તેમજ વર્તુળ અને ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ દ્વારા એક અઠવાડિયામાં ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કરાયું છે. જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા ૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે. આ ૧૩૩ પુલો પૈકી ૨૦ પુલો તમામ વાહનો માટે, જ્યારે ૧૧૩ પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે જેના પર હળવા વાહનોનો વાહનવ્યવહાર સુગમ રીતે ચાલુ રખાયા છે.
આ પણ વાંચોઃ આણંદ મહાનગરપાલિકાનું નામ "કરમસદ-આણંદ મહાનગરપાલિકા" કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર
આ ૧૩૩ બંધ કરેલ પુલોમાં NDT (નોન-ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ) કરાવી, જરૂરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ, પુન: બાંધકામની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.
વિભાગ હસ્તકના રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના એકંદરે કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી ભારે વરસાદના લીધે કુલ માર્ગોના ૨.૫ ટકા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૫૬.૨૭ ટકા પેચવર્કની કામગીરી અને ૭૦% થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરવા કરી દેવામાં આવી છે. તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા ૪ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦,૭૬૭ થી વધીને ૩૫,૧૧૮ થઇ. આમ, નવા ૨૪,૩૫૧ નાગરીકો (૨૨૬% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે