અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેની કવાયત વચ્ચે એક અદભૂત ફોટો હાથ લાગ્યો છે. હૈદરાબાદમાં યોજાયેલી ભાજપની નેશનલ કારોબારી બેઠકમાં દેશભરમાંથી ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો. જ્યાંથી પરત ફરતા સમયે ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ પ્લેનમાં એકસાથે બાજુબાજુમાં બેસેલા જોવા મળ્યા હતા. રાજકીટ ખટરાગની ચર્ચા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિમાનની સૌથી આગળની રોમાં એકસાથે જોવા મળ્યા હતા. ખુદ નીતિન પટેલે આ તસવીર ટ્વિટર પર શેર કરી છે. વિમાનમાં કેમેરામેનને આ અદભૂત ક્લિક મળી હતી. ZEE 24 કલાકે આ તસવીર વિશે વાચકોને પૂછ્યુ હતુ કે, તમે આ ફોટોને શુ કેપ્શન આપશો? તો તેના મજેદાર જવાબો મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર પૂછાયેલા આ સવાલોનો લોકોએ રાજકીય વ્યંગ તથા કોમેડી જવાબ આપ્યા હતા. કેટલાક આ તિકડીને જેઠાલાલા, નટુકાકા અને બાઘાની જોડી ગણાવી હતી. તો કેટલાકે મોદી સરકારના ત્રણ વાંદરા કહ્યા હતા.
કોઈએ તેમને કાકા, બાપા અને દાદાની જોડીગ ગણાવી. તો એક યુઝરે કોમેન્ટ કરી કે, એક ડાળ ના પંખી. જોતજોતામાં ફેસબુક અને ટ્વીટર પર શેર કરાયેલી આ તસવીર પર કોમેન્ટ્સનો ઢગલો થઈ ગયો હતો.
કેટલાક યુઝરે નીતિન પટેલ માટે કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યુ કે, નીતિન કાકાને બારી વાળી સીટ તો આપો બીજુ તો કાંઈ નો આપ્યું. બીજા યુઝરે કહ્યુ કે, કાકા ને ૨ વષઁ મા પેલી વાર જોયા પ્લેન મા.
તો કેટલાકે સીઆર પાટીલ પર રાજકીય કટાક્ષ કર્યા હતા. યુઝરે લખ્યુ હતું કે, બંન્ને નેતાઓ ને પુર્વ બનાવી સત્તા નુ સંચાલન કરનાર ભાઉ સાથે સફર. તો અન્ય એક યુઝરે લખ્યુ કે, ખુરશી પરથી તો હટાવી લીધા... હવે બંનેને ક્યાં છોડવા જાઓ છો પાટીલ સાહેબ.
આમ, ગુજરાતમાં રાજકીય ગરમાગરમી વચ્ચે આ તસવીરનું માર્કેટ ગરમ રહ્યુ હતું. લોકોએ આ તસવીરને વખાણી પણ હતી, તો સાથે જ વખોડી પણ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે