Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : બરોડા ડેરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. ડેસર તાલુકાની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ડેસર તાલુકા પંચાયતના સદસ્યે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પર બનાવટી ગ્રાહક બની રાજપુર મંડળીમાં દૂધ ભરતા હોવાનો આક્ષેપ કરતાં ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મેરાકુવા દૂધ મંડળી બાદ હવે ડેસર તાલુકાના રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિ થઈ રહી હોવાના આરોપ લાગ્યા છે. તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ પરમારે આક્ષેપ કર્યો છે કે, રાજપુર દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પર નિશાન તાક્યું છે. કુલદીપસિંહ રાઉલજી વેજપુરના વતની હોવા છતાં રાજપુર દૂધ મંડળીમાં તેમના નામે દૂધ ભરાવવામાં આવ્યું છે.
રાજદીપસિંહ પરમારે પ્રશ્ન કર્યો છે કે, કુલદીપસિંહ રાઉલજીનું રાજપુરમાં ઘર નથી કે પશુઓ પણ નથી, તેમ છતાં તેમના નામે દૂધ કેવી રીતે ભરાય? તેમણે પુરાવા રૂપે જણાવ્યું કે, કુલદીપ રાઉલજીએ ગ્રાહક નંબર 158 બનાવીને વર્ષ 2024માં તેમના નામનું દૂધ મંડળીમાં ભરાવ્યું હતું. આ અંગે રાજપુર ગામના વનરાજસિંહ પરમારે પુરાવા સાથે તાલુકા પંચાયત સદસ્યને ફરિયાદ કરી હતી. જેના આધારે તાલુકા પંચાયતના સદસ્યે પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાઉલજી વિરુદ્ધમાં ફરિયાદ નોંધવા અરજી આપી છે.
ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો! જુનાગઢમાં કોઝવે તૂટતા હિટાચી મશીન સાથે લોકો નદીમાં પડ્યા
બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ પોતાના પર લાગેલા આક્ષેપ મામલે ખુલાસો કર્યો છે કે તેઓ વેજપુરના વતની છે અને વેજપુર દૂધ મંડળીના પ્રમુખ પણ છે. રાઉલજીએ રાજપુર દૂધ મંડળીમાં તેમના નામની પાવતી ખોટી હોઈ શકે તેમ જણાવ્યું છે. તેમણે આક્ષેપ કરનારને બેંકમાં તેમના નામની એન્ટ્રી અથવા અન્ય કોઈ પુરાવો રજૂ કરવા પડકાર ફેંક્યો છે.રાઉલજીએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ રાજપુર દૂધ મંડળીના સભ્ય નથી કે ત્યાં તેમનું દૂધ ભરાતું પણ નથી. તેમણે આ સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમના મતે, ડિસેમ્બર 2025માં બરોડા ડેરીની ચૂંટણી આવી રહી છે અને તાલુકા પંચાયતના સદસ્ય સાવલી ધારાસભ્યના ફંટરીયા છે. સાવલી-ડેસર ઝોનની દૂધ મંડળીઓ તેમના નામે ઠરાવ કરી રહી હોવાથી તેમને દબાવવા માટે આ ખોટી અરજી કરવામાં આવી છે.
રાઉલજી છેલ્લા 15 વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હોવાનું જણાવી, ખોટા ષડયંત્રો કરનારાઓ સફળ થશે નહીં તેવી ચેતવણી આપી છે. તેમણે દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેમની સાથે ઊભા રહેવાની પણ ખાતરી આપી છે. રાઉલજીએ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે કે તેમના મળતિયાઓ દૂધ મંડળીના પ્રમુખ-મંત્રીઓને હેરાન કરી રહ્યા છે અને પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે કારણ કે ઠરાવો તેમના તરફી થયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ડેરીની ચૂંટણીમાં 76 મત મેળવીને જીતશે. કુલદીપસિંહ રાઉલજીએ આ વિવાદને સાવલીના ધારાસભ્ય સાથે પણ જોડ્યો છે. તેમણે સાવલીના ધારાસભ્ય પર રેતી ખનનમાં ભાગીદાર હોવાનો અને રેતી માફિયાઓ પર તેમનો હાથ હોવાનો મોટો આરોપ લગાવ્યો છે. રાઉલજીએ પ્રશ્ન કર્યો છે કે કોટના, ભાદરવા, પોઈચા, જૂના કનોડા સહિત અનેક વિસ્તારોમાં રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં ધારાસભ્ય શા માટે કઈ બોલતા નથી. આ ઉપરાંત, તેમણે સાવલી નગરપાલિકામાં પણ બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ બાદ હવે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી સમયે ઇનામદાર વર્સિસ રાઉલજીની લડાઈ જોવા મળી હતી, તેવી જ લડાઈ હવે ફરીવાર બરોડા ડેરીની ચૂંટણીમાં પણ જોવા મળે તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં ડેરી વિવાદ કયા જઈને અટકે છે તે હવે જોવું રહ્યું.
ગુજરાતને હચમચાવી દેતો બનાવ, દીકરાની ઘેલછામાં પિતાએ કરી દીકરીની હત્યા કરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે