જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે અને દરેક જણ આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવાની માંગ કરી રહ્યા છે. આતંકવાદીઓએ પહેલગામની બૈસારન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને તેમના નામ અને ધર્મ પૂછીને નિશાન બનાવ્યા છે. અહીં કુલ 26 લોકોના દર્દનાક મોત થયા હતા. મૃતકોની અલગ-અલગ હ્રદયસ્પર્શી કહાનીઓ પ્રકાશમાં આવી રહી છે જે હ્રદયદ્રાવક છે. તેમાંથી એક શૈલેષ કળથીયા પણ આ આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યો હતો. તે પોતાના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા પરિવાર સાથે મુંબઈથી કાશ્મીર આવ્યા હતા. પરંતુ આ તેમનો છેલ્લો જન્મદિવસ બનીને રહી ગયો.
શૈલેષ મૂળ અમરેલીનો વતની હતો અને તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો, જ્યાંથી બેંકની નોકરીના કારણે તે છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા હતા. 44 વર્ષીય શૈલેષ તેની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ગયા હતા. પરંતુ મંગળવારે પહેલગામમાં ફરતી વખતે કંઈક એવું બન્યું જેણે આ સુખી પરિવારની ખુશીને ચકનાચૂર કરી દીધી. જ્યારે તે પહેલગામમાં ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આ આતંકવાદી હુમલો થયો અને તેમાં શૈલેષને ગોળી વાગી હતી. તે દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા. તેમની પત્ની અને બાળકો સુરક્ષિત છે.
શૈલેષ ઉપરાંત ગુજરાતના અન્ય અસરગ્રસ્ત પ્રવાસીઓની વાત કરીએ તો યતીશભાઈ પરમાર, તેમના પત્ની કાજલબેન અને પુત્ર સ્મિત ભાવનગરથી કાશ્મીર આવ્યા હતા. મંગળવારે સાંજે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. બાદમાં કાજલબેન સલામત મળી આવ્યા હતા જ્યારે યતીશભાઈ અને પુત્ર સ્મિતના મોતના સમાચાર આવ્યા હતા.
45 વર્ષીય યતીશભાઈ હેર સલૂન ચલાવતા હતા અને તેમનો 17 વર્ષનો પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ મોરારી બાપુની કથામાં હાજરી આપવા શ્રીનગર ગયા હતા અને ત્યાંથી તેઓ લટાર મારવા ગયા હતા. ગઈકાલે સાંજે તેમને બાતમી મળી હતી કે પિતા-પુત્ર ઘાયલ થયા છે અને આજે સવારે તેમને તેમના મૃત્યુની માહિતી મળી.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના 3 પ્રવાસીઓના મોત થયા છે જ્યારે બે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકારના સંપર્કમાં છે અને બાકીના પ્રવાસીઓને ટૂંક સમયમાં સુરક્ષિત પરત લાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે પહેલગામમાં હુમલા સમયે આતંકીઓએ નકલી યુનિફોર્મ પહેર્યા હતો, તેથી શરૂઆતમાં કોઈ પ્રવાસીને તેમના પર શંકા ન હતી. પરંતુ થોડા સમય પછી જ્યારે તેઓએ હિન્દુ પ્રવાસીઓની ઓળખ પૂછી અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારે સ્થળ પર નાસભાગ મચી ગઈ. આતંકવાદીઓએ જાણી જોઈને હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા જેઓ તેમની પત્નીઓ અથવા પરિવારો સાથે આવ્યા હતા. આ આતંકી હુમલાની તસવીરો અને વીડિયો ખૂબ જ ભયાનક છે. આ વીડિયોમાં જે મહિલાઓના પતિ પર આતંકીઓએ હુમલો કર્યો હતો તે રડતી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે