Cricketer Death : IPL 2025 વચ્ચે ક્રિકેટ જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર કીથ સ્ટેકપોલનું 84 વર્ષની વયે અવસાન થયું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 10,000થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેમના નામે 148 વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. તેમણે 1966 થી 1974 વચ્ચે 43 ટેસ્ટ મેચ રમી અને 7 સદી ફટકારી. જાન્યુઆરી 1966માં ઈંગ્લેન્ડ સામે એડિલેડ ખાતે તેમણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં આઠમા નંબર પર બેટિંગ કરતા તેમણે 64 બોલમાં 43 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં પણ બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ તે મેચ એક ઇનિંગ્સ અને નવ રનથી જીતી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શ્રદ્ધાંજલિ આપી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું, 'કીથ સ્ટેકપોલના નિધનથી અમે બધા દુખી છીએ. તે સાચો વિક્ટોરિયન અને ઓસ્ટ્રેલિયન હતો જેણે જુસ્સા, હિંમત અને સન્માન સાથે રમત રમી હતી.' 1968ની એશિઝ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ 1972માં તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઇયાન ચેપલ તે સમયે કેપ્ટન હતા અને તે શ્રેણીમાં કીથે ઓપનર તરીકે બેટિંગ કરતા સૌથી વધુ રન (485) બનાવ્યા હતા.
ચેપલે નિવેદન આપ્યું
ચેપલે કહ્યું, 'તે મને ઘણી મદદ કરતો હતો, ક્યારેક ચૂપચાપ એવા કામ કરતો હતો જે એક કેપ્ટન તરીકે કરવું મુશ્કેલ હતું. એકવાર 1972માં ટ્રેન્ટબ્રિજ ટેસ્ટ દરમિયાન તેણે મને કહ્યું, 'ત્રીજો સ્લિપ ફિલ્ડર મૂકવો જોઈએ.' મેં સૂચન સ્વીકાર્યું અને થોડા બોલ પછી ત્રીજી સ્લિપમાં કેચ થયો. તેણે 1970-71ની એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફર્સ્ટ-ક્લાસ ઇનિંગ્સ રમી હતી. 207 રન, જેમાં 25 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે સમગ્ર શ્રેણીમાં 52.25ની એવરેજ સાથે 627 રન બનાવ્યા. જોકે ઓસ્ટ્રેલિયાએ તે શ્રેણી 2-0થી ગુમાવી હતી.
1974માં નિવૃત્ત થયા
તેમણે 1974માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેમણે છેલ્લી ટેસ્ટ માર્ચ 1974માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં રમી હતી, જેમાં તે બંને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા હતા. તેમની ટેસ્ટ કારકિર્દી 37.42 ની સરેરાશથી 2,807 રન અને સાત સદી સાથે સમાપ્ત થઈ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેયર્ડે કહ્યું, 'કીથે ક્રિકેટને ઘણું આપ્યું. એક ખેલાડી તરીકે, કોમેન્ટેટર તરીકે અને માર્ગદર્શક તરીકે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.' તેમના પરિવારમાં તેમની પત્ની અને બાળકો પીટર, ટોની અને એન્જેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે