ગુજરાત સરકારે ગયા વર્ષે અચાનક જ જંત્રીના ભાવ ડબલ કરી નાખવાની જાહેરાત કરી દેતા જ હંગામો મચી ગયો હતો. સમગ્ર રાજ્યમાં આ નવા દર સામે વિરોધ ઉઠ્યો જેના પગલે આખરે સરકારે આ નિર્ણય મોકૂફ રાખવો પડ્યો. સરકારે જંત્રીના દરો એક સમાન રીતે સમગ્ર રાજ્યમાં બમણા કરી નાખતા નારાજગી વ્યાપી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિક રીતે આ દરો નક્કી કરવા માટે પણ સરકારને રજૂઆત કરાઈ. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર જલદી જંત્રીના નવા દર જાહેર કરી શકે છે.
અત્રે જણાવવાનું કે સમગ્ર રાજ્યમાં જંત્રી રેટ એક સમાન બમણા કરી નખાતા વિરોધ ઉઠ્યો હતો. જેને પગલે બાંધકામના વ્યવસાયીઓએ નવા જંત્રી રેટને બદલે વૈજ્ઞાનિક રીતે જંત્રી રેટ નક્કી કરવાની અપીલ કરી હતી. આ અપીલ સરકારે સ્વીકારીને નવેસરથી જંત્રી રેટ જાહેર કરવાનું નક્કી કર્યું. હવે સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી રહી છે તે મુજબ રાજ્ય મહેસૂલ વિભાગે એક અભ્યાસ હાથ ધર્યા બાદ નવા જંત્રી દરો નિર્ધારીત કરી લીધા છે. આ નવા જંત્રી દરને મુખ્યમંત્રીની મંજૂરી માટે પણ મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ નવા રેટ જાહેર કરાશે.
જો કે અહીં એક વાત એ પણ નોંધવા જેવી છે કે આ જે નવા દરો છે તે વિશે સંબંધિત લોકો પોતાના અભિપ્રાય પણ આપી શકશે. ત્યારબાદ જો તેમાં સુધારાવધારાની જરૂર પડે તો તે અમલમાં લાવીને અભિપ્રાયો મુજબ સરકાર ફાઈનલ જંત્રી દર નક્કી કરશે. જ્યાં જમીનના ભાવો આકાશે આંબી રહ્યા હોય ત્યાં જંત્રીના રેટ ડબલ કરો તો પણ કઈ ઝાઝો ફરક પડતો નથી પરંતુ જે વિકસી રહેલા વિસ્તારોમાં હોય જ્યાં બજાર ભાવ અને જંત્રી દરોમાં વધુ ફરક ન હોય ત્યાં જંત્રી દર બમણો કરાય તો અસંતુલન પેદા થાય. જેને લઈને સરકારે નવા જંત્રીદરોને થોડા સમય માટે લાગૂ થતા અટકાવ્યા. નવા જંત્રી દર વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થવાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જંત્રી દરોમાં ઘટાડો થઈ શકે જ્યારે કેટલાક વિસ્તારોમાં જંત્રી દરો વધી શકે છે.
ક્યાં જંત્રી દર વધી શકે
મહાનગરોના પોશ વિસ્તારો, મહાનગરની આસપાસના અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિકસિત વિસ્તાર, મોટી નગરપાલિકાઓ સ્વાં ભવિષ્યમાં રીઅલ્ટી ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે, નવી જાહેર થનારી મહાનગરપાલિકાઓ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, સ્માર્ટસિટી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન
ક્યાં જંત્રી દરો ઘટી શકે
મહાનગરના જૂના શહેરી વિસ્તારો જ્યાં વિકાસની તક નથી અથવા મર્યાદિત છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન કે થવા નજીકના ભવિષ્યમાં વિકાસ શક્ય નથી. મીઠાના અગરો ધરાવતી જમીન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો.
એફોર્ડેબલ ઝોનમાં વધારો નહીં?
સરકારે શહેરોમાં જે વિસ્તારોને એર્ફોડેબલ હાઉસિંગ ઝોન તરીકે નક્કી ક્યાં છે તે વિસ્તારો ઉપરાંત ખેતીવાડી સહ- વિસ્તારો માટે જંત્રીના દરો ગયા વર્ષ ફેબ્રુઆરીમાં નિયત થયા હતા તે પ્રમાણે જ રહેશે એવું કહેવાય છે. આ ઉપરાંત જ્યાં બજાર ભાવ અને જંત્રીદરો વચ્ચેનું સંતુલન વિચિત્ર નથી, ત્યાં પણ કોઇ બદલાવ નહી આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે