ચેતન પટેલ/ સુરતઃ શહેરના રાંદેર પોલીસ લાઇન ખાતે રહેતા એક પીએસઆઇની વિધવા ભાભીએ આજે સવારે પોતાના ઘરમાં પીએસઆઇની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલા પોતાના પતિના માંદગીના કારણે થયેલા મોત બાદ ડિપ્રેશનમાં રહેતી હતી અને તેના કારણે જ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેર પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભરત પરધાને રાંદેર પોલીસ લાઇનમાં રહે છે. આજે સવારે ભરત પરધાને અને તેમની માતા મંદિરે ગયા હતા ત્યારે તેમની સર્વિસ રિવોલ્વર લઇને તેમની ભાભી સ્મિતા હિંમત પરધાનેએ પોતાની જાતે જ ગોળી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સ્મિતા પરધાનેના પતિ હિંમત પરધાનેનું છ મહિના પહેલા બિમારીના કારણે મોત થયું હતું તેમને બે સંતાનો છે અને પતિના મોત બાદ સ્મિતા પરધાને ડિપ્રેશનમાં રહેતી હતી.
આ કારણસર જ તેણે રિવોલ્વરમાંથી ગોળી છોડીને આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસનું કહેવુ છે. ઘટના બન્યા બાદ રાંદેર પોલીસના અધિકારીઓ સહિત એફએસએલના અધિકારીઓ પણ તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે