Home> Gujarat
Advertisement
Prev
Next

ખાડાનગરી બન્યા ગુજરાતના મહાનગરો, રોલર કોસ્ટર રાઈડ જેવા રસ્તાઓ, કમર, મણકાની સમસ્યામાં થયો વધારો

ગુજરાતમાં સરકાર દ્વારા વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે સ્માર્ટ શહેરના રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે કે વાહન તો દૂર ચાલવામાં પણ સમસ્યા થઈ રહી છે. આજે અમે તમને ગુજરાતના મહાનગરોમાં રહેલા રસ્તાની હાલતનો અહેવાલ જણાવીશું. 
 

 ખાડાનગરી બન્યા ગુજરાતના મહાનગરો, રોલર કોસ્ટર રાઈડ જેવા રસ્તાઓ, કમર, મણકાની સમસ્યામાં થયો વધારો

અમદાવાદઃ ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ અને તંત્રની પોલ ખુલી ગઈ. રાજ્યની ઓળખ સમાન ગણાતા મહાનગરોની હાલત સિઝનની શરૂઆતના વરસાદ બાદ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આર્થિક પાટનગર અમદાવાદ હોય કે, ડાયમંડ સિટી સુરત, સંસ્કારી નગરી વડોદરા હોય કે પછી સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ..બધે આ જ સ્થિતિ છે. ઘરની બહાર નિકળે એટલે ખાડાઓના કારણે લોકોને રોલર કોસ્ટર રાઈડ જેવો અનુભવ થાય છે.  કેમ ગુજરાતના મહાનગરો બની રહ્યા છે ખાડાનગરી અને કોણ છે આ માટે જવાબદાર, જુઓ આ વિશેષ અહેવાલમાં...

fallbacks

આ છે વરસાદ બાદ ગુજરાતના મહાનગરોના રસ્તાની સ્થિતિ. કરોડોના ખર્ચે બનાવેલા રોડ શરૂઆતના જ વરસાદમાં ધોવાઈ ગયા છે. ઘરની બહાર નિકળો તો અકસ્માતનો ભય રહે એવી સ્થિતિ છે. શહેરના રાજમાર્ગ હોય કે આંતરિક માર્ગો, જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય છે. રસ્તાના કામમાં વેઠ વાળીને તંત્ર જાણે જનતાને મફતમાં રોલર કોસ્ટર રાઈડનો અનુભવ કરાવવા માંગતું હોય તેવી સ્થિતિ છે.

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદને હવે લોકો ખાડાબાદ કે ગાબડાબાદ તરીકે ઓળખી રહ્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો તેનો પુરાવો છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ, બધે આ જ સ્થિતિ છે. 

વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓની આ સ્થિતિ પર Z 24 કલાકે જ્યારે તંત્રને સવાલ કર્યો, તો અમને જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. તંત્રએ પ્રી-મોન્સૂન કામગીરી કરી છતાં શહેરમાં લોકો સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

હવે વાત કરીએ ડાયમંડ સિટી સુરતની, જ્યાં શાસકોએ વચન આપ્યું હતું કે આ સિઝનમાં તો સુરતમાં કોઈ ખાડા નહીં પડે. જનતાને કોઈ તકલીફ નહીં થાય. પરંતુ એક વરસાદ આવ્યો અને શાસકોનું વચન પણ પાણીમાં વહી ગયું.

સ્માર્ટ અને સંસ્કારી નગરી વડોદરાનું નામ બદલીને ખડોદરા કરવાની વાત ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. કારણ કે દર વર્ષે વરસાદ બાદ શહેરમાં પડતા ખાડા અને ગાબડાથી લોકો કંટાળી ગયા છે. વર્ષોવર્ષ પડતી આ સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ રોષ ઠાલવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં તો તાજેતરમાં આવેલા વરસાદ સમયે કૂતુહલ સર્જાયું. નવા જ બનેલા રોડનું બમ્પર વરસાદમાં તણાઈ ગયું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એટલું જ નહીં રાજકોટના રસ્તાઓ એટલા બિસ્માર થઈ ગયા છે કે, લોકોને કમરના દુઃખાવાની સમસ્યા વધી રહી છે અને વાહનો ખરાબ થઈ રહ્યા છે.

આવા ડિસ્કો રોડના કારણે લોકોને શારીરિક સમસ્યાઓ પણ થઈ રહી છે. ખરાબ રસ્તાઓના કારણે ગરદનના મણકા તૂટી જવા કે ખસી જવા, કમરની નીચેના ભાગમાં મણકા દબાવા જેવી ફરિયાદોમાં વધારો થયો છે.

તંત્રની બેજવાબદારીના કારણે પડેલા આ ખાડાઓ લોકોના ઘર ઉજાડી રહ્યા છે. ગાંધીનગરમાં ખાડામાં ખાબકતા બાળકનું મૃત્યુ થયું તો  વાપીમાં ખાડાથી બચવા જતો યુવાન ટ્રકના ટાયર નીચે આવીને મોતને ભેટ્યો. આવી જ ઘટના બનાસકાંઠાથી પણ સામે આવી. બેદરકાર, નઘરોળ અને આળસુ તંત્રના કારણે લોકો શારીરિક સમસ્યાઓ અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. હજી તો ચોમાસાનો શરૂઆતનો તબક્કો છે ત્યાં આ સ્થિતિ છે, તો આગળ શું થશે એ તો તંત્ર જ જાણે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More