રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ કચ્છના માંડવી તાલુકાના બીદડા ગામે પ્રેમલગ્ન કરનાર પુત્રના પિતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ પ્રેમલગ્નથી નારાજ યુવતીનાં પરિવારજનોએ જ કરી છે. યુવકના પિતા બસ સ્ટેશન પાસે બેઠા હતા તે દરમિયાન રોષે ભરાયેલી સાસુ બે મહિલાઓ સાથે આવીને ધોકો લઈ તૂટી પડી હતી. વેવાઈ દમ ના તોડે ત્યાં સુધી સાસરીપક્ષ મારતો રહ્યો હતો. બીજી તરફ ત્યાં આસપાસમાં કેટલાય લોકો હાજર હતા. જોકે, તેઓ માત્ર તમાશો જોતા રહ્યા હતા.
કચ્છના માંડવી તાલુકાના બીદડા ગામે જ્યાં પુત્રના પ્રેમલગ્ન બાબતે પિતાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. પુત્રના સાસરીપક્ષની ત્રણ મહિલાઓ અને એક પુરુષે સાથે મળી 75 વર્ષના વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડીથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓ એટલી હદે ઉશ્કેરાટમાં આવી ગયા હતા કે, વૃદ્ધ ભાનમાં ન રહ્યા ત્યાં સુધી મારતા રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ વૃદ્ધનું ત્રણ દિવસની સારવાર બાદ આજે હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું છે. કોડાય પોલીસે ત્રણ મહિલા સહિત ચાર સામે દાખલ કરેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.
બિદડા ગામે રહેતો રાજેશ ઊર્ફે બૉબી લધાભાઈ સંઘાર અને ગામમાં રહેતી તેના સમાજની યુવતી સાથે જાન્યુઆરીમાં પ્રેમલગ્ન કરેલાં અને ફેબ્રુઆરીથી ભાગી ગયા છે. જેના કારણે યુવકના પિતા લધાભાઈ સંધાર પર હુમલો કરાયો હતો.
આ પણ વાંચોઃ આજથી વાતાવરણમાં આવશે પલટો, આ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે પડી શકે છે વરસાદ
બનાવ અંગે પોલીસે હુમલાખોર રાજબાઈ વિરમ સાકરીયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે એકસંપ થઈ માર મારવા સબબ ગુનો દાખલ કર્યો હતો. આ મહિલાઓને ગુનો આચરવા માટે કારમાં લઈ આવનાર રાજબાઈના ભત્રીજા વિશાલને પણ પોલીસે આરોપી બનાવી ગઈકાલે ચારેની અટક કરીને કોર્ટમાં રજૂ કરાયાયા હતા અનેકોર્ટે ચારેયને જામીન પર મુક્ત કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાવનાર લધાભાઈના પુત્ર દિનેશે આરોપ કર્યો હતો કે મહિના પહેલા મહિલાઓએ ઘરે આવીને ધમકી આપી હતી અને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી અને તેમના પિતાની હત્યાના હેતુથી આયોજનબધ્ધ કાવતરું ઘડીને હુમલો કરાયો હોવા છતાં પોલીસે ગુનામાં હળવી કલમો લગાડી છે. પોલીસે જણાવ્યું કે હત્યાની કલમનો ઉમેરો થયાં બાદ કૉર્ટની સૂચના મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે