અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ Corona Update: ગુજરાતમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. નવી લહેરમાં એક જ દિવસમાં બીજા દર્દીના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની એલજી હોસ્પિટલમાં એક 47 વર્ષીય મહિલા દર્દીનું મોત થયું છે. આજે સવારે પણ એક 47 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ ગુજરાતમાં નવી લહેરમાં મોતની સંખ્યા બે થઈ ગઈ છે.
વધુ એક દર્દીનું મોત
ગુજરાતમાં કોરોનાની નવી લહેરમાં વધુ એક દર્દીનું મોત થવાને કારણે કુલ મોતનો આંકડો બે પર પહોંચી ગયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ તેની પુષ્ટિ કરી છે. એલજી હોસ્પિટલમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે આ પહેલાં દાણીલીમડામાં એક મહિલાના મોતની પુષ્ટિ થઈ હતી. અમદાવાદ કોર્પોરેશનમાં કોવિડના 197 એક્ટિવ કેસ નોંધાયેલા છે. મોટા ભાગના દર્દી હોમ આઈસોલેશનમાં છે.
અમદાવાદ કોરોનાને લીધે અત્યાર સુધી બે મોત સામે આવ્યા છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે કોવિડના 197 એક્ટિવ કેસ છે. મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના પોઝિટિવ દાખલ થયો છે. આ સાથે અસારવા સિવિલમાં હાલ કુલ ત્રણ દર્દી દાખલ છે.
આ પણ વાંચોઃ 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના, ચોમાસા અંગે અંબાલાલે આપી મોટી જાણકારી
રાજકોટમાં વધુ કેસ આવ્યા
રાજકોટમાં આજે કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. ત્રણ પુરુષ અને ચાર સ્ત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 19 મે 2025 થી આજે દિવસ સુધીમાં 44 કેસ નોંધાયા છે. 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો 6 દર્દીઓ સ્વસ્થ થયા.
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલ દ્વારા રવિવારે 1 જૂનના રોજ બહાર પડેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ 19ના કેસ 4000 (એક્ટિવ કેસ) આસપાસ પહોંચી ગયા છે. દેશમાં 3,961 એક્ટિવ કેસ સામે આવ્યા છે. એવું કહેવાય છે કે એક દિવસમાં 203 કોવિડના નવા કેસ સામે આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે