અર્પણ કાયદાવાલા/અમદાવાદ: આજે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 કુબેરનગરની પુનઃ મતગણતરી કરવામાં આવશે. અમદાવાદના કુબેરનગર વોર્ડની એક બેઠકની ફરી મત ગણતરી ચાલુ થઈ ગઈ છે. 23 ફેબ્રુઆરી 2021 એ થયેલી મતગણતરી બાદ એક વિવાદ થયો હતો. જેમાં કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. તો વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું, જેને લઈ જગદીશભાઈ કોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને આજે પુનઃ મતગણતરી થઈ રહી છે.
આખરે 10 રાઉન્ડના અંતે કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરી પૂર્ણ થઈ છે. પરંતુ અગાઉના પરિણામમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, કુબેરનગર વોર્ડની પુનઃ મતગણતરીમાં પોસ્ટલ બેલેટ સહિત તમામ મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ગત ચૂંટણીના પરીણામમાં કોઈ ફરક નથી. ગીતા બેન ચાવડા વિજયી તરીકે યથાવત રહ્યા છે. પરંતુ સત્તાવાર જાહેરાત બાકી છે.
કુબેરનગર વોર્ડના ઉમેદવાર જગદીશ મોહનાનીએ જણાવ્યું હતું કે, આજનું પરીણામ અગાઉની જેમ જ યથાવત રહ્યું છે. મતમાં કોઈ ફેરફાર થયો નથી. મારો પ્રશ્ન એ છે કે 2 મહિલાને અનામત બેઠક મળી ગઈ, તો પછી પુરુષ સામાન્ય બેઠક ઉપર ત્રીજી મહિલાને વિજયી કેમ જાહેર કરાઈ? પરિણામ સાથે હું સંમત છું, પરંતુ અમે હજીપણ આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરીશું.
બીજી બાજુ કુબેરનગર વોર્ડના વિજયી ઉમેદવાર ગીતાબા ચાવડાએ જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે, ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ હંમેશા કોઇને કોઈ પ્રકારે વિવાદ ઉભો કરે છે. આજના પરિણામથી સત્યનો વિજય થયો છે. જે તે સમયે રિટર્નિંગ અધિકારીની સામાન્ય માનવીય ભૂલ હતી, કોઇ ગેરરીતિ હતી નહિ.
ચૂંટણી અધિકારી વી એમ ઠક્કરે જણાવ્યું હતું કે, અગાઉના પરિણામમાં કોઇ જ બદલાવ નથી. માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. ગીતાબા ચાવડા જ વિજયી જાહેર કરાયા છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ મહિલાઓ માટે st, sc અને obc ની અનામત બેઠક હોય છે. પરંતુ સામાન્ય કેટેગરીમાં જે કોઈના મત વધારે હોય એને વિજયી જાહેર કરાયા છે. ભલે તે પુરુષ હોય કે સ્ત્રી.
LIVE મતગણતરી:
નોંધનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકામાં 2021માં યોજાયેલી ચૂંટણીમાં 23 ફેબ્રુઆરી થયેલી મતગણતરીમાં મોટો વિવાદ ઉભો થયો હતો. વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા ભાજપ પાસે આવી હતી. પરંતુ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું.
પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો હતો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું. જેને લઈ જગદીશભાઈ હાઇકોર્ટમાં ગયા હતા. જો કે ત્યાં અરજી ફગાવતા ઉમેદવાર સુપ્રીમ કોર્ટમાં ગયા જ્યાં સુપ્રીમ કોર્ટ દવારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ શનિવારે એલ ડી એન્જીનીયરીંગ ખાતે પુનઃ મતગણતરી થશે.
કુબેરનગર વોર્ડની મતગણતરીમાં 2021માં ચુંટણી લડેલા ઉમેદવારોને નીચે મુજબ મત મળ્યા હતા.
1) ઊર્મિલાબેન પરમાર કોંગ્રેસના ઉમેદવારને 18407 મત મળ્યા હતા.
1) મનીષાબેન વાઘેલા ભાજપના ઉમેદવાર15235ને મત મળ્યા હતા.
2) કામિનીબેન ઝા કોંગ્રેસના ઉમેદવારને 17697 મત મળ્યા હતા
2) ગીતાબેન ચાવડા ભાજપના ઉમેદવારને 17656 મળ્યા હતા
3) નિકુલસિંહ તોમર કોંગ્રેસ ઉમેદવારને 17292 મત મળ્યા હતા
3) પવન શર્મા ભાજપના ઉમેદવારને 15437 મત મળ્યા હતા
4) જગદીશભાઈ મોહનાણી કોંગ્રેસના ઉમેદવારને 16992 મત મળ્યા હતા
4) રાજા રતવાણી ભાજપના ઉમેદવારને 14778 મત મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે