Surat News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ગયો છે. હાલ તેઓ મોદી સેલવાસ પહોંચ્યા છે. થોડીવારમાં પીએમ મોદીનો સેલવાસમાં રોડ શો અને સભા યોજાશે. સેલવાસમાં તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તો નમો હોસ્પિટલના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે. સેલવાસ બાદ તેઓ સુરત પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી માટે ખાસ સુરતી ભોજન તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી જ્યાં પણ જાય છે તેઓ સાત્વિક ભોજન ગ્રહણ કરે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમની ટીમમાં રસોઈયો પણ સાથે હોય છે. ત્યારે ગાંધીનગરના સર્કિટ હાઉસના રસોઈયાની ટીમ સુરત આવી પહોંચી છે. આ રસોઈયા તેમના માટે ખાસ સુરતી ભોજન તૈયાર કરશે. વડાપ્રધાન મોદી ડિનરમાં સાત્વિક ભોજનની લિજ્જત માણશે. તેમના માટે સુરતના સર્કિટ હાઉસમાં પંચકુટિયું શાક, બટાકાનું સૂકું શાક, ભાખરી અને પુલાવ-કઢી બનાવવામાં આવશે. સાથે તેમાં સુરતી લોચો, ઈડલી અને પાટુડી મૂકીને સુરતી ભોજનનો ટચ આપવામાં આવનાર ચે.
પીએમ મોદી સુરત સર્કિટ હાઉસમાં રોકાશે. તેઓ સુરત સર્કિટ હાઉસના ચોથા માળે રોકાશે. આ માળ તેમના માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારે હાલ સર્કિટ હાઉસની કાયાપલટ કરી દેવામાં આવી છે. તેને રંગરોગાન અને લાઈટથી શણગાર કરવામાં આવ્યો છે.
આજથી બે દિવસ પીએમ મોદી ગુજરાતમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બેદિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સંઘ પ્રદેશ સેલવાસ અને સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે બપોરે સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સેલવાસ પહોંચશે. જ્યાં સેલવાસ, દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. તેઓ ગુજરાતની જનતાને રૂ 2587 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. સેલવાસમાં જાહેર કાર્યક્રમ બાદ પીએમ સુરત પહોંચશે. સુરતમાં રોડ શો ઉપરાંત જાહેર સભાને પણ સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ ચોથી વખત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ નાનકડા પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં રૂપિયા 2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ દાદરા નગર હવેલીના સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે. આ સાથે જ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરશે. તો દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1.1 km લાંબા ટ્રેક પર ટોય ટ્રેન નું લોકાર્પણ કરશે. દીવમાં પણ તેઓ વિકાસના કામોના લોકાર્પણ કરશે. સેલવાસમાં યોજાઈ રહેલ જાહેર કાર્યક્રમના સ્થળ પરથી જ આ કામોનું લોકાર્પણ અને ખાતર્મુહુત કરી જંગી સભાને પણ સંબોધન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે