Teachers Recruitment: ધોરણ 1થી 5 માં શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 22 મે થી 31 મે સુધી થયેલી પસંદગી પ્રક્રિયા રદ કરાઈ છે. મેરીટની ગણતરીમાં ભૂલ હોવાના કારણે પસંદગી રદ કરાઈ હોવાની વાત સામે આવી છે. વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ) વર્ષ 2024 ની ભરતી અંગે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22/05/2025 થી શરૂ કરવામાં આવી હતી.
જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવાર માર્કશીટમાં અંતિમ ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ હોવાથી પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢતા ઉમેદવારોનાં મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. જેથી કોઇ પણ ઉમેદવારને નુકસાન ન થાય તે માટે 22-05-2025 થી 31-05-2025 સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ્દ કરવાનો અને વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો 20-01-2017 ના જાહેરનામાના ફકરા 8 (2)(1) અનુસાર સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરીમાં નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતી, ગાંધીનગરની 31-05-2025 ની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટુંક જ સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરાશે. જેની નોંધ સર્વે વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ) ઉમેદવારોને નોંધ લેવા માટેની અપીલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે