Banaskantha Rain: ગુજરાતમાં ઉનાળો ગાયબ થઈ ગયો છે અને ચોમાસુ બેસી ગયું છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલો વરસાદ ચોમાસાની જેમ વરસી રહ્યો છે. હળવો વરસાદ તો ઠીક કરા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનો પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે ત્યારે ભારે પવન સાથે વરસી રહેલો વરસાદ ખેડૂતોના પાકનો સોથ બોલાવી રહ્યો છે.
ખેડૂતોને પડ્યો માવઠાનો માર
બનાસકાંઠામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉનાળુ પાકોને મોટું નુકસાન પહોચાડ્યું છે. પાલનપુર પંથકમાં પડેલા ભારે પવન સાથેના કમોસમી વરસાદે પાલનપુરના સેમોદ્રા ગામના ખેડૂત નવનીતભાઈ પટેલના ખેતરમાં ઉભેલ બાજરીનો સોથ વાળી દીધો છે. ખેડૂત નવનીતભાઈએ પોતાના ખેતરના 3 વીઘા જમીનમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. તેમને આશા હતી કે, તેમને આ બાજરીના તૈયાર પાકમાંથી 2 લાખ રૂપિયા જેટલું વળતર મળશે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.
બનાકાંઠામાં થયેલા કમોસમી વરસાદે જેવી રીતે બાજરીનો કચ્ચરઘાણ કાઢ્યો, તેવી જ રીતે ભારે પવન અને કરા સાથે આવેલા વરસાદે બાગાયતી પાકનું પણ નામો નિશાન મિટાવી દીધું છે. પાલનપુર પંથકમાં પડેલા ભારે પવન સાથેના કમોસમી વરસાદે પાલનપુરના સેમોદ્રા ગામના ખેડૂત ધનરાજભાઈ ચૌધરીના ખેતરમાં ઉભેલા પૈપયાના પાકનો સોથ વાળી ગયો છે. પપૈયાનો પાક ખેતરમાં આડો પડી જતાં ખેડૂતને 20 લાખથી પણ વધુ રૂપિયાનું નુકસાન થવા પામ્યુ છે. ખેડૂત ધનરાજભાઈ ચૌધરીએ દેવુ કરીને આ પાકનું વાવેતર કર્યુ હતુ, પરંતુ હવે માવઠાનો માર પડતાં ખેડૂતને રાતા પાણીએ રોવાના દિવસો આવ્યા છે.
મહામૂલા પાકનો કચ્ચરઘાણ
બનાસકાંઠા જિલ્લામાં જેટલું નુકસાન છે, તેવું જ નુકસાન અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ થયું છે. અમદાવાદના માંડલ અને વિરમગામ પંથકમાં અજમો અને જુવાર જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. માંડલના નાના ઉભડાના ખેડૂતોએ અજમો, જુવારનું વાવેતર કર્યું હતુ. તો ઘણા ખેડૂતોના જુવારના વાઢેલા પાથરા ખેતરમાં પડ્યા હતા. ત્યારે ભરઉનાળે આવેલા કમોસમી વરસાદે પાકનો સત્યાનાશ વાળી દીધો છે.
ખેડતો હોંશે હોંશે પાકનું વાવેતર કરતા હોય છે. સાથે જ સપના જોયા હોય છે કે પાક જ્યારે ઉતરશે ત્યારે પૈસા આવશે અને પોતાના જોયેલા સપના પુરા કરશે, પરંતુ આ વર્ષે ભરઉનાળે આવેલા માવઠાએ જાણે ખેડૂતોના સપનાઓ પર પાણી જ ફેરવી દીધું છે.
હવામાન વિભાગની આગાહી
આજે સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ વિસ્તારોમાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ જિલ્લાને અપાયું ઓરેન્જ એલર્ટ
તેમજ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઓરેન્જ એલર્ટ વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે