Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હેઠળ ચાલતી સરકારી શાળાઓ હવે આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણ આપતી બની રહી છે. શિક્ષણ સમિતિની 5 સ્કૂલોમાં AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનું શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ છે.
વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત માં ભારતી સ્કૂલ, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્કૂલ, ગવર્મેન્ટ પ્રાઈમરી સ્કૂલ, શ્રી રવિશંકર મહારાજ સ્કૂલ અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સ્કૂલ – આ પાંચ સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓને રોબોટિક્સ, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડ્રોન જેવી આધુનિક અને ભાવિ જીવન માટે ઉપયોગી ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ અભિગમ અંતર્ગત દર શનિવારે પસંદ કરાયેલ વિધાર્થીઓને "ટેક્નોક્રેટ" બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
સ્કૂલના સ્માર્ટ કલાસરૂમમાં સ્ક્રીન મારફતે રોબોટના વિવિધ પ્રકારો, રોબોટિક મશીનના પાર્ટ્સ, તેમ જ ડ્રોનના અભ્યાસ સાથે પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં “શ્વેત સંસ્થા” પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સંસ્થાના નિષ્ણાતો બાળકોને સરળ ભાષામાં ટેક્નોલોજીનું શિક્ષણ સમજાવી રહ્યા છે, જેથી બાળકોએ ભવિષ્યમાં કોઈ પણ તક ગુમાવવી ન પડે. માં ભારતી શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં પણ આ ટેક્નોલોજીના શિક્ષણથી ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. અને બાળકો પણ આ પ્રકારના શિક્ષણથી તેમના ભવિષ્યમાં ઉપયોગી થવાથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે
શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈએ જણાવ્યું કે, "AI યુગમાં આગળ વધવા બાળકોને ટેક્નોલોજીથી સજ્જ રાખવું એ સમયની જરૂરિયાત છે. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ હવે પછાત નહીં રહે – એ માટે શિક્ષણ સમિતિ પ્રતિબદ્ધ છે. સાથે સાથે તેમણે રાજ્ય સરકારનો પણ આભાર માન્યો હતો કે શનિવારના દિવસે બેગલેસ ડે જાહેર કર્યો, જેથી વિધાર્થીઓને આજના ટેક્નોલોજી યુગમાં આધુનિક શિક્ષણ આપી શકાય. શ્વેત સંસ્થાના રોબોટિક એન્જિનિયર વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. થિયરીની સાથે વિધાર્થીઓને પ્રેક્ટિકલ શિક્ષણ પણ આપવામાં આવશે.
મહત્વની વાત છે કે આ પહેલ વડોદરામાં શિક્ષણક્ષેત્રે એક ક્રાંતિરૂપ પહેલ છે, જેનાથી અન્ય શહેરો પણ પ્રેરણા લઈ શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકોને પાયાના શિક્ષણથી જ ટેકનોક્રેટ કરવામાં આવશે, તો તેવો ટેકનોલોજી અને AIના યુગમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી અને લડી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે