Home> Gujarat
Advertisement
Prev
Next

નારાજ નસીબે નાપાસ કરેલી લકવાગ્રસ્ત વિદ્યાર્થિનીએ જુસ્સા અને હિંમત સાથે પાસ કરી ધોરણ-12 સાયન્સની પરીક્ષા

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરાની એક લકવાગ્રસ્ત યુવતીએ અનેક પડકારોનો સામનો કરીને આ પરીક્ષા પાસ કરી છે. 

નારાજ નસીબે નાપાસ કરેલી લકવાગ્રસ્ત વિદ્યાર્થિનીએ જુસ્સા અને હિંમત સાથે પાસ કરી ધોરણ-12 સાયન્સની પરીક્ષા

લેહરો સે ડર ડર કર નૌકા પાર નહિ હોતી !
કોશિશ કરને વાલોં કી કભી હાર નહિ હોતી.

fallbacks

હાર્દિક દીક્ષિત-વડોદરાઃ ઉપરોક્ત કહેવતને વડોદરાની એક દીકરીએ સાર્થક કરી બતાવી છે. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર થયું જેમાં વડોદરા શહેર અને જિલ્લાના 750 થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થયું.
ત્યારે આજે આપણે શહેરની એક એવી દીકરીની વાત કરીશું કે જેને પરીક્ષાના પ્રેશરથી હતાશ થતા વિદ્યાર્થીઓને અવિશ્વસનીય પ્રેરણા પૂરી પાડી છે.

યશ્વી પટેલ હરણી વિસ્તારમાં આવેલા વિજય નગર માં પોતાના માતાપિતા સાથે રહે છે. તેના પિતા એક ટીવી મેકેનિક છે અને માતા ગૃહિણી. મધ્યમ વર્ગના આ નાનકડા પરિવારની નાનકડી દીકરીને ભવિષ્ય માં IT એન્જીનીયર બનવાની ઈચ્છા હોવાથી તે ભણવા માં તનતોડ મેહનત કરતી. પરંતુ કુદરત જાણે આ હસતા રમતા પરિવાર થી નારાજ હોય તેમ વર્ષ 2021 યશ્વી ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે અચાનક જ તેને GBS (ગુલિયન બેરી સિંડ્રોમ ) નો એટેક આવ્યોને હાથ માં રાખેલા પુસ્તક સાથે જમીન પર ઢળી પડી હતી.

પોતાની ફૂલ જેવી દીકરીની આ સ્થિતિ જોતાં તેના માતા પિતા હોસ્પિટલમાં સારવાર માટે આમતેમ ભટકાતા રહ્યાં. સારવાર દરમિયાન યશ્વીની શારીરિક સ્થિતિ એ હદે કથળી કે તેને 78 દિવસ વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી અને આ સારવાર લગભગ 19 મહિના સુધી ચાલી હતી. GBS એક એવી જીવલેણ બીમારી છે કે જો કોઈ દર્દી માં એના લક્ષણ જણાય તો દર્દીનું આખું શરીર કામ કરતું બંધ થઈ જાય,અને જો કોઈ દર્દી આ બીમારીના કારણે કોમાંમાં ચાલ્યું જાય તો તે ક્યારે ભાનમાં આવશે તે તબીબો પણ જણાવી શકતા નથી.

આ પણ વાંચોઃ ગુજરાત HCમાંથી રાહુલ ગાંધીને કોઈ વચગાળાની રાહત નહીં, માનહાનિના કેસમાં ચુકાદો અનામત

યશ્વી ને GBS નામની ગંભીર બીમારી થતાં તે વર્ષ 2021માં યોજાનાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા ન આપી શકી,પોતે લકવાગ્રસ્ત હોવાના કારણે તેમજ સતત 19 મહિના સારવાર હેઠળ હોવાના કારણે આંખમાં આંસુ સાથે કાળજુ કઠણ કરી સતત બીજા વર્ષે પણ યશ્વી એ પરીક્ષા નહિ આપવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

19 મહિનાની સારવાર દરમિયાન યશ્વી પટેલની તબિયત માં સામાન્ય સુધારો જણાતા તેને મન મક્કમ કરી વર્ષ 2023 માં યોજાનાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. આ પરીક્ષા દરમિયાન પણ તેને ભારે યાતના નો સામનો કરવો પડ્યો હતો.લકવા ગ્રસ્ત શરીર હોવાનાના કારણે વ્હીલ ચેરમાં બેસીને પરીક્ષા આપવા ગયેલી યશ્વી પટેલને નારાજ નસીબની જેમ નિર્જીવ બનેલા હાથ એ પણ કલમ ઉઠાવવામાં સાથ નહોતો આપ્યો. પરંતુ આ હિંમતવાન દીકરી એ દ્રદ નિશ્ચય સાથે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. નિર્જીવ બનેલા હાથના કારણે પ્રશ્નપત્રમાં લખવા ગતિ ધીમી પડી જેના કારણે યશ્વીને એ પ્રશ્નોના જવાબો લખવામાં સમય ખૂટતો હતો. જેના કારણે તમામ વિષયોની પરીક્ષામાં અધૂરા પ્રશ્નપત્ર લખીને તેને ઘરે જવું પડતું હતું.

આ પણ વાંચોઃ હજુ ગુજરાતમાં પડશે માવઠું, હવામાન વિભાગે કરી આગાહી, 5 દિવસ આ જિલ્લામાં આવશે વરસાદ

આજે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે યશ્વી પટેલે ખૂબ મોટી સિદ્ધિ હાસલ કરી છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં યશ્વી પટેલે જણાવ્યું હતું કે આજકાલ વિદ્યાર્થીઓ પરીક્ષાના પ્રેશરથી હતાશ થઈને ન કરવાનું કરી બેસે છે ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરી ફક્ત ને ફક્ત પોતાના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ગમે તેવી કપરી પરિસ્થિતિ કેમ ન હોય આપણે જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ મહેનત કરનાર તમામને સફળતા પ્રાપ્ત થાય છે જ. વધુ માં યશ્વીએ જણાવ્યું હતું કે તેણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની તૈયારી માટે ફક્ત ત્રણ મહિનાનો જ સમય મળ્યો હતો. આ ત્રણ મહિનામાં રોજ 7 થી 8 કલાક અભ્યાસ કરી પોતે લકવાગ્રસ્ત હોવા છતાં સારા ટકા એ પરીક્ષા પાસ કરી છે,અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં 50 % ગુણ મેળવ્યા છે.

કોઈ પણ વિદ્યાર્થી ના ભવિષ્ય ના ઘડતર માં માતાપિતા ખૂબ મહત્વ ની ભૂમિકા ભજવતા હોય છે ત્યારે ટીવી મિકેનિક પિતા તેમજ માતા એ યશ્વીને ક્યારે હિંમત નથી હારવા દીધી. તો સાથે જ ઉર્મી સ્કૂલના સંચાલકોએ પણ GBS નામની ગંભીર બીમારીથી પીડાતી યશ્વી પટેલની શારીરિક તેમજ આર્થિક સ્થિતિ જોઈ અભ્યાસ માટેની તમામ ફી માફ કરી હતી. તેમજ યશ્વી પટેલને પરીક્ષામાં સફળતા મળે તેના માટે અર્થાગ પ્રયત્નો કર્યા હતા.

ત્યારે લકવાગ્રસ્ત સ્થિતિ માં પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 50 ટકા મેળવનાર યશ્વી પટેલ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ ઉદાહરણ સાબિત થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More