રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના પોલીસ ભવનમાં કોરોનાનો પગપેસારો થયો છે. પોલીસ કમિશનરના ગનમેન અને ડ્રાઈવરનો કોરોના (Coronavirus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ ભવનમાં કામ કરતા અન્ય 3 કર્મીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તેમજ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના 19 વર્ષીય દીકરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
વડોદરામાં કોરોનાનો વધતો કહેર સયાજી હોસ્પિટલના 5 તબીબો કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના વોર્ડમાં કામ કરતી 4 સિસ્ટર પણ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. જેથી હોસ્પિટલના અન્ય વ્યક્તિઓને પણ શંકાસ્પદ દર્દીઓ તરીકે દાખલ કરાયા છે. 5 તબીબો સયાજી હોસ્પિટલના તબીબ અને સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ, વડોદરામાં કોરોના વોરિયર્સની હાલત કફોડી બની છે. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને હજી સુધી પગાર કરાયો નથી. છેલ્લા બે માસથી કર્મચારીઓને પગાર કરાયો નથી. પગાર ન થતાં નર્સિંગ સ્ટાફ નારાજ થયો છે. નર્સિંગ સ્ટાફે અધિકારીને પગાર માટે રજૂઆત કરી છે.
વડોદરામાં છેલ્લાં 24 કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા 548 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 473 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે કે, 75 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ વડોદરામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3757 પર પહોંચી ગઈ છે. ગઈકાલે કોરોનાથી 7 લોકોના મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે