Gujarat Congress : કોંગ્રેસ પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ રાજીનામું ધરી દીધું છે અને એ માટે વિસાવદર તેમજ કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઘોર પરાજયનું કારણ આગળ ધર્યું છે. તેમનું રાજીનામું ભલે અણધાર્યું છે પરંતુ સાવ અનપેક્ષિત પણ ન ગણાય. કારણ કે કેટલાક કારણોસર તેમને ખુદને જ આ કાંટાળો તાજ પહેરવાનું ફાવતું ન હોય એવા સંકેતો મળી રહ્યા હતા.
ન નફો, ન નુકસાન તો રાજીનામું કેમ?
કડી અને વિસાવદર એ બંને બેઠક પૈકી એકે ય બેઠક કોંગ્રેસ પાસે હતી જ નહિ. કડીમાં ભાજપના ધારાસભ્ય હતા અને તેમનાં નિધનથી આ બેઠક ખાલી પડી હતી. વિસાવદર બેઠક આમઆદમી પાર્ટી પાસે હતી જેનાં ધારાસભ્યે પક્ષપલટો કરીને રાજીનામું આપતાં અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આમ, બેમાંથી એકે ય બેઠક કોંગ્રેસની હતી જ નહિ. એ સંજોગોમાં કોંગ્રેસના ઉમેદવાર હારે એથી પ્રદેશપ્રમુખ તરીકે શક્તિસિંહ માટે હેઠાજોણું માનવાનો સવાલ જ ઊભો નથી થતો. છતાં તેમણે આ બે મુદ્દાને આગળ ધર્યા છે, પરંતુ કારણો કંઈક અલગ જ હોવાનું આંતરિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
ઈટાલિયાને મળશે મોટી જવાબદારી, આપના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય વિધાનસભામાં પહોંચશે તો શું
રેસના ઘોડા, નાચવાવાળા ઘોડા નડી ગયા?
રાહુલ ગાંધીએ સંગઠનમાં કર્મઠ કાર્યકરોને તક આપવાની અને નવા ચહેરાઓને લાવવાની જાહેરાત કરી હતી. પરંતુ કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખોની જે યાદી જાહેર થઈ તેમાં અનેક વિસંગતતાઓ જોવા મળી છે. જેમની સામે વ્યાપક ફરિયાદ હતી એવાં અનેક ચહેરાઓને પુનઃનિયુક્તિ મળી છે અને કેટલીય જગ્યાએ પ્રતિભાશાળી યુવા કાર્યકરોની દાવેદારીને નજરઅંદાજ કરવામાં આવી છે. સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે તેમાં પ્રદેશપ્રમુખ તરીકે શક્તિસિંહના અભિપ્રાયનું ખાસ કોઈ વજન પડ્યું નથી. તેમના ખુદના ગૃહજિલ્લા ભાવનગરમાં તેમના વિરોધીઓને હોદ્દો મળ્યો છે. આથી વ્યથિત બનેલાં શક્તિસિંહે રાજીનામું આપવા માટે યોગ્ય સમય જોઈને અપજશની દુકાનના શટર પાડી દીધાં હોય તેમ મનાય છે.
તો હવે શક્તિસિંહના બદલે કોણ?
હવે કોંગ્રેસ માટે સવાલ એ છે કે, જો શક્તિસિંહ ગોહિલ પદ પરથી નીકળી જાય તો પછી પ્રમુખ પદની ગાદી કોને સોંપાય. ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ હવે કોણ પહેરશે. ત્યારે ફરીથી પક્ષમાં પાટીદાર અથવા ઓબીસી નેતાના નામ ચર્ચામાં આવ્યા છે. હાલ ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાના નામ ટોપ પર ચાલે છે. તો અન્ય નેતાઓમાં પૂંજા વંશ, પરેશ ધાનાણી, અને વિરજી ઠુમરના નામ પણ ચર્ચામાં છે. ત્યારે હવે હાઈકમાન્ડ આ કાંટાળો તાજ કોને પહેરાવશે તેના કરતા તેને કોને પહેરવામાં રસ છે તે મોટો સવાલ છે. એક થિયરી એવી પણ છે કે, જો અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બને તો પછી જિજ્ઞેશ મેવાણીની પક્ષમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. આક્રમક સ્વભાવના અને તેજતર્રાર જિજ્ઞેશ મેવાણીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાઈ શકે છે. ત્યારે હવે કોંગ્રેસમાં તખતો પલટ કેવી રીતે થાય છે તે જોવાનું રહ્યું.
વિસાવદરનું પરિણામ કેટલાયને લઈ ડૂબશે, મંત્રીમંડળમાં આ નેતાઓનું કપાઈ શકે છે પત્તુ!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે