અમદાવાદઃ એક તરફ વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસાવદરની જીતના પડઘા દિલ્હી સુધી પડ્યા છે અને અરવિંદ કેજરીવાલ પણ 2027ની ચૂંટણી માટે ભાજપને પડકાર ફેંકી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આપથી નારાજ?
બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના ઓપરેશન લોટસમાં સામેલ થવા ઉમેશ મકવાણા ગમે તે સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. આજે ગાંધીનગરમાં ઉમેશ મકવાણા પત્રકાર પરિષદ યોજી પોતાની વાત રજૂ કરી શકે છે.
શું ઉમેશ મકવાણા આપને આપશે ઝટકો?
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટ જીતી હતી. જેમાં બોટાદથી ઉમેશ મકવાણા ધારાસભ્ય બન્યા હતા. હવે તેઓ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેશ મકવાણા ફરક્યા નથી. હવે ચર્ચા છે કે ઉમેશ મકવાણાની જગ્યાએ ગોપાલ ઈટાલિયાને વિધાનસભામાં આપ નેતા કે દંડકનો પદભાર સોંપવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આજે કરી શકે છે ધડાકો
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેશ મકવાણાએ પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે. તેઓ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા ચાલી રહી છે. તેવામાં આજે ગાંધીનગરમાં ઉમેશ મકવાણા પત્રકાર પરિષદ યોજી પોતાના પત્તા ખોલી શકે છે. જો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડશે તો આમ માટે આ મોટો ઝટકો ગણાશે.
ભૂપત ભાયાણીએ આપી દીધું હતું રાજીનામું
આ પહેલા વિસાવદરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી. પરંતુ ત્યારબાદ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે