ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી છે. મહિલાનો પતિ મુકેશ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતો હતો. સારવાર દરમિયાન પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે પતિની હત્યા કરી પત્ની સંગીતાએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
અમદાવાદ શહેરના દાણીલીમડામાં પોલીસ લાઇનમાં પોલીસકર્મી મુકેશ પરમાર અને તેની પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન પત્ની સંગીતાએ પતિ મુકેશપરમારને માર મારતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. મુકેશ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
પતિ પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ પત્ની સંગીતાએ ઘરે આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મુકેશ પરમાર A ડિઝિવન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. પત્નીએ પતિની પથ્થર મારીને હત્યા કરી ત્યારબાદ પોતે આત્મહત્યા કરી છે.
પત્ની પાસેથી સ્યુસાઇડ નોટ મળી
પતિની હત્યા કરી આપઘાત કરનાર પત્નીએ સ્યુસાઇડ નોટ પણ લખી છે. મહિલાએ સ્યુસાઇડ નોટમાં શારીરિક, માનસિક ત્રાસ અને લગ્નેતર સંબંધનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે વાત કરતા ઝોન-6ના ડીસીપીએ કહ્યુ કે માથાના ભાગે ગંભીર ઈજાને કારણે મુકેશ ભાઈનું મોત થયાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના મૃતક દંપત્તિના આઠ વર્ષના બાળકે જોઈ હતી. ઘરકંકાસને કારણે રાત્રે ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
ડીસીપીએ કહ્યુ કે ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. મૃતક મુકેશભાઈના લગ્નેતર સંબંધ હોવાની પ્રાથમિક માહિતી અને મળી છે. સ્યુસાઇડ નોટ મેચ કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે