Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે, 400 કરોડના ખર્ચે બનશે ફોરલેન રોડ

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે આગામી સમયમાં દહેજ જવું સરળ બનશે. મુખ્યમંત્રીએ 400 કરોડના અંજાદિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે, 400 કરોડના ખર્ચે બનશે ફોરલેન રોડ

ભરૂચઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરના ૪૬ કિ.મી. માર્ગને રૂ. ૪૦૦ કરોડના અંદાજિત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ-ખાતમુહૂર્ત ભરૂચમાં સંપન્ન કર્યું હતું. આ રોડ ફોરલેન થવાના પરિણામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે. 

fallbacks

મુખ્યમંત્રીએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકાર્પણ-ખાતમૂહર્તના વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં એક સાથે સમગ્રતયા ૬૩૭ કરોડ રૂપિયાના ૩૪ વિવિધ વિકાસકામો જિલ્લાના નાગરિકોને આપ્યા હતા. 

આ વિકાસ કામોમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણાના ૫૭૬ કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા રમતગમત સંકુલ, શાળાના ઓરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની પણ ભેટ ભરૂચ જિલ્લાને મળી છે. 

મુખ્યમંત્રીએ ભરૂચને મળેલા આ વિકાસ કામો લોકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, મજબૂત અને વિઝનરી નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવા મોટા વિકાસલક્ષી પરિવર્તન આવી શકે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અનુભવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ દીકરાની સગાઈ કરવા પહોંચ્યા અને પિતાનું થયું મોત, વેવાઈના ઘરે આવ્યો હાર્ટ એટેક

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ જી.ડી.પી.ના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલા લીધા છે. એટલું જ નહિ, સ્થાનિક ઉત્પાદનને વેગ મળે અને આત્મનિર્ભરતા વધે તે માટે વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોના વધુને વધુ ઉપયોગની પણ હિમાયત કરી છે. 

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં દેશમાં પાછલા ૧૧ વર્ષમાં અનેક રિફોર્મ્સ થયા છે અને વિકાસની હરણફાળ જોતાં  નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ સતત વધ્યો છે. લોકો ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે અને તેમને વિશ્વાસ છે કે ટેક્સના આ પૈસા દેશના વિકાસ માટે ઉપયોગમાં આવવાના છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આઈ.ટી. અને સેવાક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી વિકાસની ગતિ તેજ બની છે અને દેશનું અર્થતંત્ર ઝડપથી વિશ્વમાં ત્રીજા મોટા અર્થતંત્રના સ્થાને પહોંચવા સજ્જ થયું છે. 

તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના બે-અઢી દાયકાના માર્ગદર્શક નેતૃત્વમાં બમણી થઈ છે. ભરૂચ-અંકલેશ્વર-ઝઘડીયા-દહેજનો આખોય વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ સીટી અને ટાઉન્સ તરીકે ડબલ એન્જિન સરકારે વિકસાવ્યો છે. એટલું જ નહિ, દેશના કેમિકલ કેપિટલ તરીકે ભરૂચ ખ્યાતિ પામ્યું છે અને દેશના અનેક રાજ્યોના યુવાઓ-લોકો માટે આ જિલ્લાના ઉદ્યોગો રોજગારીના અવસરો પૂરા પાડે છે. 

આ પણ વાંચોઃ ફોઈ નીકળી અઠંગ ખેલાડી! મિલકત માટે ભત્રીજીનું અપહરણ કર્યું, મગજ ચકરાવે તેવી સ્ટોરી

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક, દહેજ પી.સી.પી.આઈ.આર., એલ.એન.જી ટર્મિનલ તથા વાલિયાના ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક અને સી-ફૂડ પાર્કથી ભરૂચના આર્થિક, ઔદ્યોગિક વિકાસમાં બળ મળ્યુ છે. 

તેમણે નીતિ આયોગના માર્ગદર્શનમાં વિકસી રહેલા સુરત ઇકોનોમિક રિજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધામાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરાવાના છે તેની પણ ભૂમિકા આપી હતી. 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગના ત્રણ લાભાર્થીઓને, પ્રધાનમંત્રી આવાસ યોજના બે લાભાર્થીઓને,  મિશન મંગલમના બે લાભાર્થીઓને કુલ ૫૧ લાખના લાભ સહાય વિતરણ અને ત્રણ લાભાર્થીઓને પાંચ લાખ સુધીની કેશલેસ સારવાર માટે પીએમજય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More