સુરતના પાલથી યુવકની માતાનું કારમાં અપહરણ કરી રાંદેરની અંબિકા નગરમાં લઈ જઈ ક્રુરતા આચરાઈ હતી. પાલ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેરના યુવાને રાજસ્થાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને જણાં ભાગી ગયા હતા. એક વર્ષ બાદ પોતાના ઘરે યુગલ પરત ફર્યું હતું. પરંતુ યુવતીના પરિવારજનો આ વાત ભૂલ્યા ન હતા. જેનો બદલો લેવા માટે અધીરા બન્યા હતા. યુવક મળતો નહીં હોય તેની માતાને ટાર્ગેટ કરાઈ હતી. માતાનું અપહરણ કરી તેને લાકડાના ડંડા પ્લાસ્ટિકની પાઇપ અને ઈંટ વડે સોસાયટીમાં જાહેરમાં ઉભી રાખી તેને માર મારવામાં આવી હતી. આ ક્રુરતામાં ઘરની મહિલાઓ પણ સામેલ હતી.
મહિલાઓએ અપહૃતના ગુપ્ત ભાગે ચીમટા ભરી..
રાજસ્થાનના વતની અને હાલ રાંદેર-પાલ વિસ્તારમાં રહેતી યુવતીના મહિલા સહિતના સંબંધીઓ યુવકની માતાનું અપહરણ કરી રાંદેર લઇ ગયા હતા. જ્યાં સરાજાહેર ડંડા વડે ઈટથી માર મારવાની વાત તો ઠીક પરંતુ મહિલાઓએ અપહૃતના ગુપ્ત ભાગે ચીમટા ભરી ક્રૂરતાની હદ વટાવતાં મામલો ચકચારી બન્યો હતો. દોડતી થયેલી પોલીસે 11 વિરુદ્ધ ગુનો નોંધી સાત પુરુષોની ધરપકડ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
રાંદેર વિસ્તારમાં રહેતા યુવકે એક વર્ષ અગાઉ ભેંસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારજનો આ લગ્નને સ્વીકૃતિ આપે તેમ નહિ હોવાથી યુવક અને યુવતી ભાગી ગયા હતા. લગ્નના બંધનમાં બંધાઈ ગયેલું આ યુગલ એક વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યું હતું. બંને યુવકના ઘરે રહેવા વાગ્યા હતા. યુવતીના પરિજનો આ વાતને ભૂલ્યા ન હતા અને બદલો લેવા માટે અધીરા બન્યા હતા. યુવક મળતો નહિ હોઈ તેની માતાને ટાર્ગેટ કરાઈ હતી.
લાકડાના ડંડા, પ્લાસ્ટિકની પાઈપ અને ઈટ વડે ફટકારી
મંગળવારે સવારે અગિયાર વાગ્યે પાલ ગૌરવપથ રોડ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ બહારથી યુવકની માતાનું એક કારમાં અપહરણ કરી જવાયું હતું. અપહરણ કરી યુવતીનાં માતા-પિતાના ઘરે અંબિકાનગર લાવવામાં આવી હતી. અહીં ઘરના સાત પુરુષો અને ચાર મહિલાઓ આ મહિલા પર તૂટી પડી હતી. લાકડાના ડંડા, પ્લાસ્ટિકની પાઈપ અને ઈટ વડે સોસાયટીમાં જાહેરમાં ઊભી રાખી તેને માર મારવામાં આવી હતી. ઘરની મહિલાઓ પણ તેમાં સામેલ થઇ હતી.
આ મહિલાઓએ ક્રૂરતાની હદ વટાવી તાલિબાની સજા આપતા હોય તેમ જાહેરમાં યુવકની માતાને ગુપ્ત ભાગે ચીમટા ભરી અપમાનિત કરી હતી. અપહૃતની બહેન અને પરિવારના બીજા સભ્યો ત્યાં દોડી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માટે કોલ કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓ
૧. રાજેશ સરદાર ઔડ (માધવપાર્ક, પાલનપોર રોડ) ૨. જગદીશ સરદાર ઔડ (અંબિકાનગર, ભેંસાણ રોડ) ૩. દીપક સરદાર ઔડ (અંબિકાનગર, ભેંસાણ રોડ) ૪. જતીન નટુ ઔડ (ગ્રોમ સોસાયટી, માસમા) ૫. નિખિલ નટુ ઔડ (ગ્રોમ સોસાયટી, માસમા) ૬. સાહિલ નટુ ઔડ (ગ્રોમ સોસાયટી, માસમા) ૭. શુભમ દિનેશ રાઠોડ (અંબિકાનગર), વાસંતબેન, ઉર્મિલાબેન, ઉપા અને રેખાબેનને વોન્ટેડ બતાવાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે