Ahmedabad News : સરહદની સુરક્ષા માટે પહેરો ભરતાં સૈનિકની માફક સમાજની સુરક્ષા માટે સમય કે વિપરિત સંજોગો જોયા વિના અહર્નિશ કાર્યરત રહેતાં પત્રકારોનું પણ સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન હોય છે. સમાજના હિતમાં કડવું પરંતુ સત્ય કહેનાર પત્રકાર સન્માનિત થાય ત્યારે એ સત્યનું સન્માન હોય છે. લોકપ્રિય ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના એડિટર અને ગુજરાતના પ્રખ્યાત અને સન્માનિય પત્રકાર દીક્ષિત સોનીને 1 જૂનના રોજ પત્રકારત્વ ક્ષેત્રનો પ્રતિષ્ઠિ નારદ પુરસ્કાર એનાયત થવાનો હોવાની જાહેરાત થતાં સમગ્ર મીડિયા વર્તુળમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રવર્તી રહી છે.
અનેક પડકારો પાડ્યા છે પાર
વિશ્વ સંવાદ ગુજરાત કેન્દ્ર છેલ્લાં એક દાયકાથી ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત પત્રકારોને સન્માનિત કરીને સત્ય પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવે છે. જે અંતર્ગત દીક્ષિત સોનીને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા ક્ષેત્રે " દેવર્ષિ નારદ પત્રકાર સન્માન" માટે પસંદ કરવામાં આવ્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન દિક્ષિત સોનીએ અનેક પડકારભર્યા કાર્યો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. અતિવૃષ્ટિ, ભૂકંપ, કોમી રમખાણો હોય કે કોરોના જેવી આફતો, જીવના જોખમે પણ પત્રકારત્વની ફરજને વળગી રહેનાર દીક્ષિત સોનીએ હિંમતપૂર્વક અનેક મુદ્દાઓને પણ ઉજાગર કર્યા છે.
વર્ષ 1996માં પત્રકારત્વક્ષેત્રે ઝંપલાવનાર દિક્ષિત સોનીએ સહારા સમય, જીએસટીવી, એબીપીમાં પણ પોતાની ફરજ બજાવી છે. જેઓ 2019થી દેશના સૌથી મોટા મીડિયા હાઉસ Zee Media હાઉસની ગુજરાતી ન્યૂઝ ચેનલ Zee24 Kalakના એડિટર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યાં છે.
આ એવોર્ડથી પણ થયું છે સન્માન
આ અગાઉ પણ દીક્ષિત સોની વર્ષ 2023માં પ્રતિષ્ઠિત આચાર્ય તુલસી એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તો વર્ષ 2021 અને 2022 એમ સળંગ બે વર્ષ માટે એમને ENBA દ્વારા વેસ્ટર્ન રિજન માટે એવોર્ડ મળી ચૂક્યો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પણ દિક્ષિત સોનીનું સન્માન થયું છે.
કોને કોને મળશે સન્માન
તા. 1 જૂનના રોજ ગુજરાત યુનિવર્સિટીના નોલેજ કોન્સર્ટિયમ ખાતે યોજાઈ રહેલાં કાર્યક્રમમાં દીક્ષિત સોની ઉપરાંત વરિષ્ઠ પત્રકારો કૃષ્ણકાન્ત ઉનડકટ, મનોજ કારિયા, પરાગ દવે અને Rj પૂજા પણ " દેવર્ષિ નારદ પત્રકાર સન્માન"થી સન્માનિત થશે.
અમદાવાદના વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે ગુજરાતના મીડિયા કર્મીઓને નારદ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દેવર્ષિ નારદને પણ પત્રકારની ઉપમા મળી હતી, તેથી તેમના નામે આ એવોર્ડ અપાય છે. લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા અને વિશેષ યોગદાન આપતા ગુજરાતના વર્તમાનપત્રોના તંત્રી, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધિઓને ‘નારદ સન્માન’ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવતા હોય છે.
આ પહેલાં દિક્ષિત સોનીને લેખન અને પત્રકારત્વમાં તેમની પ્રતિબદ્ધતા, નિર્ભીકતા, મૂલ્ય આધારિત ચિંતનશીલતા અને માનવ મૂલ્યો પ્રત્યેની તેમની આસ્થા બદલ આચાર્ય તુલસી સન્માન એનાયત કરવામાં આવ્યું છે. હવે દેવર્ષિ નારદ પત્રકાર સન્માન એમની ઉજ્જવળ કારકીર્દીને ચાર ચાંદ લગાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે