12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન અકસ્માતે સમગ્ર દેશ દુનિયાને હચમચાવી દીધા છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર વિમાન (ફ્લાઈટ AI-171) ઉડાણ ભર્યાની માત્ર 32 સેકન્ડમાં બીજે મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં તૂટી પડ્યું. આ વિમાન અકસ્માતમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે ઘટનાસ્થળ પર હાજર ઓછામાં ઓછા 30 લોકોના પણ મોત થયા. જીવ ગુમાવનારા લોકોમાં બીજે મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર્સ પણ સામેલ હતા. આ દર્દનાક અકસ્માતમાં એકમાત્ર 40 વર્ષના બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશનો જ આબાદ બચાવ થઈ શક્યો.
હવે ઈન્વેસ્ટિગેશન ટીમને એક મોટો સુરાગ મળ્યો છે. ટીમે અકસ્માતના વીડિયો અને ઓડિયોથી જાણકારી મેળવી છે કે ટેકઓફની ગણતરીની પળો બાદ જ પ્લેનનું ‘Ram Air Turbine’ એટલે કે RAT એક્ટિવ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે આ અકસ્માતના કારણો સમજવામાં તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. RAT એક પ્રકારનું નાનકડું પંખા જેવું સાધન હોય છે જે સામાન્ય રીતે જ્યારે વિમાનના બંને એન્જિન ફેઈલ થઈ જાય કે ઈલેક્ટ્રિક કે હાઈડ્રોલિક સિસ્ટમ સંપૂર્ણ રીતે ફેલ થઈ જાય ત્યારે બહાર નીકળે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે ટેકઓફના માત્ર 32 સેકન્ડની અંદર જ આ ફ્લાઈટ સાથે કઈક મોટી ગડબડી થઈ હોઈ શકે છે.
32 સેકન્ડમાં મચી તબાહી
12 જૂન 2025ના રોજ બપોરે 1.39 વાગે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 એ અમદાવાદમાં સરકાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાણ ભરી હતી. વિમાનમાં 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ હતા જેમાં 2 પાઈલોટ સામેલ હતા. 169 ભારતીયો, 53 બ્રિટિશર્સ, 7 પોર્ટુગીસ અને 1 કેનેડિયન મુસાફરો હતા. ઉડાણ ભર્યાના ગણતરીની સેકન્ડ્સ બાદ પાઈલોટે ‘MAYDAY’કોલ કર્યો હતો. ત્યારબાદ તરત જ વિમાનનો સંપર્ક ATC સાથે તૂટી ગયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ 32 સેકન્ડની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું. ફૂટેજ અને એક સ્થાનિક વિદ્યાર્થીઓ આયર્ન અસારી દ્વારા બનાવવામાં આવેલા વીડિયોથી જાણવા મળે છે કે વિમાન ઉડાણ ભર્યા બાદ જરૂરી ઊંચાઈ મેળવી શક્યું નહીં અને ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. વિમાન બીજે મેડિકલ કોલેજના એક હોસ્ટેલ ભવન સાથે અથડાયું ત્યારબાદ આગનો ગોળો બની ગયું. આ અકસ્માત બોઈંગ 787 ડ્રીમલાઈનરનો પહેલો ઘાતક અકસ્માત હતો. બોઈંગ કંપનીના ડ્રીમલાઈનર વિમાન 2011થી કોમર્શિયલ સર્વિસમાં છે.
શું હોય છે RAT?
Ram Air Turbine કે RAT એક નાનકડો સી પ્રોપેલર જેવો ડિવાઈસ છે જે ઈમરજન્સી સિચ્યુએશનમાં વિમાનને ઈલેક્ટ્રિસિટી અને હાઈડ્રોલિક પાવર પ્રદાન કરે છે. જ્યારે વિમાનના બંને એન્જિન ફેલ થઈ જાય અથવા તો ઈલેક્ટ્રિસિટી કે હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવે ત્યારે તે ઓટોમેટિકલી એક્ટિવ થઈ જાય છે. RAT હવાની સ્પીડને યૂઝ કરીને વીજળી પેદા કરે છે જેનાથી વિમાનની મહત્વપૂર્ણ સિસ્ટમ, જેમ કે ફ્લાઈંગ કંટ્રોલ અને ઈમરજન્સી લાઈટ કામ કરતા રહે છે. આ ડિવાઈસ વિમાનને કંટ્રોલ કરવામાં પાઈલોટને મદદ કરે છે, જેથી કરીને ઈમરજન્સી સ્થિતિમાં પણ વિમાન સુરક્ષિત લેન્ડિંગ કરી શકે.
નવા વીડિયો અને ઓડિયોમાં મળેલા તથ્યોમાં RAT એક્ટિવ થયાનું સામે આવ્યું છે. વીડિયોમાં વિમાનની જમણી બાજુ પંખા નીચે એક નાનકડો સી ગ્રે રંગનો ડિવાઈસ જોવા મળે છે. જેને વિશેષજ્ઞઓએ RAT ગણાવ્યો છે. તેની સાથે એક ઓડિયોમાં એક તેજ, હાઈ ફ્રિક્વન્સીવાળો અવાજ પણ સંભળાય છે. જે RAT ના પ્રોપેલરના ઘૂમવાનો અવાજ ગણવામાં આવી રહ્યો છે. આ અવાજ ત્યારે વધુ સ્પષ્ટ થાય છે જ્યારે વિમાનના એન્જિનોનો સામાન્ય અવાજ બંધ થઈ જાય છે.
ક્યારે એક્ટિવ થાય છે RAT
વિમાનમાં જ્યારે 3 સમસ્યાઓ જોવા મળે ત્યારે RAT આપોઆપ એક્ટિવ થઈ જતું હોય છે.,
1. બંને એન્જિન ફેલ થવા
જ્યારે પ્લેનમાં બંને એન્જિન ફેલ થઈ જાય એટલે કે એક સાથે કામ કરવાનું બંધ કરે ત્યારે RAT આપોઆપ એક્ટિવ થઈ જાય છે.
2. ઈલેક્ટ્રિક સિસ્ટમ ફોલ્ટ
જો વિમાનની આખી ઈલેક્ટ્રિક સિસ્ટમ ફેલ થઈ જાય ત્યારે RAT ઈમરજન્સી વીજળી આપે છે.
3. હાઈડ્રોલિક સિસ્ટમ ફોલ્ટ
વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમ પ્લેનના કંટ્રોલ્સ જેમ કે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગીયરને ઓપરેટ કરે છે. તે ફેલ થાય તો પણ RAT એક્ટિવ થઈ જાય છે અને પ્લેનને હાઈડ્રોલિક પાવર આપે છે.
એક્સપર્ટનું માનીએ તે RAT નું એક્ટિવ થવું એ વિમાનમાં કોઈ ગંભીર ટેક્નિકલ સમસ્યાનો સંકેત છે. ભારતીય વાયુસેનાના પૂર્વ પાઈલોટ કેપ્ટન એહસાન ખાલિદે કહ્યું કે બંને એન્જિનોનું એક સાથે બંધ થવું એ અસામાન્ય છે. તેમણે જણાવ્યું કે જો બંને એન્જિનોમાં બે સેકન્ડનું પણ અંતર હોય તો વિમાનમાં ‘yawing’ (અચાનક દિશા બદલવું) જોવા મળત પરંતુ વીડિયોમાં એવું જોવા મળતું નથી. તેનાથી સંકેત મળે છે કે એન્જિનોનું શટડાઉન ડિજિટલ રીતે એક સાથે થયું હોય જે કદાચ સોફ્ટવેર કે સેન્સરમાં ગડબડીના કારણે થયું હોઈ શકે.
અકસ્માતના કારણો
અકસ્માતના કારણોની હાલ તપાસ ચાલુ છે. પરંતુ કેટલાક સંભવિત કારણો સામે આવ્યા છે. જેમાં બંને એન્જિનોનું એક સાથે ફેલ થવું, ઈલેક્ટ્રિકલ કે હાઈડ્રોલિક ખરાબી, પક્ષી અથડાવવાની શક્યતા, પાઈલોટની ભૂલની સંભાવના વગેરે સામેલ છે. જો કે આ ફક્ત એક પ્રકારની થિયરીઓ છે. સાચું કારણ તો વિમાનના બંને બ્લેક બોક્સ, ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરના ડેટાની તપાસ બાદ સામે આવી શકશે. ભારતનું વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)આ તપાસને લીડ કરી રહ્યું છે. જેમાં બોઈંગ, જીઈ એરોસ્પેસ (એન્જિન બનાવનારી કંપની) અને અમેરિકા તથા બ્રિટનના એક્સપર્ટ્સ સામેલ છે.
શું માને છે એક્સપર્ટ્સ
એક્સપર્ટ્સનું માનવું છે કે વિમાન અકસ્માત સામાન્ય રીતે એક નહીં પરંતુ અનેક કારણોસર થતા હોય છે. RAT નું કામ શરૂ થવું એ એ વાતનો સંકેત છે કે વિમાનમાં કોઈ ગંભીર ટેક્નિકલ સમસ્યા આવી હશે પરંતુ તેનું સટીક કારણ પછી એન્જન ફેલ થવું કે વીજળીની ખરાબી હોય કે સોફ્ટવેરની ગડબડી એ તપાસ બાદ જાણી શકાશે. બોઈંગ 787ની ડિઝાઈન અને સુરક્ષા રેકોર્ડ અત્યાર સુધી તો સારો રહ્યો છે પરંતુ આ અકસ્માતે તેના ઈલેક્ટ્રિક બેસ્ડ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે