અલાહાબાદ હાઈકોર્ટનું કહેવું છે કે માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરનારા પ્રેમી કપલ પોલીસ સુરક્ષાનો દાવો કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે આવા લોકો ત્યાં સુધી પોલીસ સુરક્ષાનો દાવો ન કરી શકે જ્યાં સુધી તેમના જીવન અને સ્વતંત્રતાને અસલ જોખમ ન ઊભું થયું હોય.
જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે એક પ્રેમી કપલ તરફથી સુરક્ષાની માંગણીવાળી અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો. હાઈકોર્ટે કહ્યું કે પોતાની ઈચ્છાથી લગ્ન કરનારાઓને પોલીસ સુરક્ષાનો હક નથી. સુરક્ષા માત્ર ત્યારે મળી શકે જ્યારે તેમના જીવન કે સ્વતંત્રતાને કોઈ પ્રકારનું જોખમ હોય.
કોર્ટે કહ્યું કે કોર્ટ કોઈ પણ કપલને યોગ્ય કેસમાં સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે. પંરતુ જો તેમની સમક્ષ કોઈ પ્રકારનું જોખમ ન હોય તો તેમણે એકબીજાને સપોર્ટ કરવાનું અને સમાજનો સામનો કરવાનું શીખવું જોઈએ. કોર્ટે દસ્તાવેજો અને નિવેદનોની તપાસ બાદ જાણ્યું કે કપલને કોઈ ગંભીર જોખમ નથી આથી અરજીની આ રીતે પટાવટ કરી.
અત્રે જણાવવાનું કે અરજીકર્તાઓએ દાવો કર્યો હતો કે તેમના પરિજનો તેમના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. આ ચુકાદો એવા કપલ માટે અતિ મહત્વનો છે જે માતા પિતાની મંજૂરી વગર લગ્ન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે