નવી દિલ્હીઃ આકરી ગરમી, આ શબ્દ સાંભળતા જ લોકોનો પરસેવો છુટવા માંડે છે. હજુ તો એપ્રિલ મહિનો શરૂ પણ થયો નથી, ત્યાં દેશના અનેક શહેરો ભીષણ ગરમીમાં શેકાવા લાગ્યા છે. ગુજરાતની જ વાત કરીએ તો અનેક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર કરી ગયો છે. દેશની રાજધાની દિલ્લીની પણ કઈક એવી જ હાલત છે. કેમ કે દિલ્લીમાં સામાન્ય કરતા આ વર્ષે વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે.
જેવા હાલ દિલ્લીના છે, તેના જ હાલ ગુજરાતના પણ છે. કેમ કે ગુજરાતમાં માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પણ પાર જઈ રહ્યો છે. આટલી ગરમી માત્ર ભારતમાં જ નહીં પશ્ચિમી દેશો પણ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. વર્ષ 2024ની ગરમીમાં પણ ભારતના ઘણા શહેરોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે હવે એ જાણી લઈએ કે ભારત સહિત દુનિયામાં ગરમીનો પારો કેમ ઉંચકાઈ રહ્યો છે.
ગરમી વધવાનું સૌથી પહેલું કારણ છે જળવાયુ પરિવર્તન
જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાના લોકોને સામાન્ય કરતા 26 દિવસ વધુ ગરમી સહન કરવી પડી.
કોલંબો, ઈંડોનેશિયા, રવાંડાના લોકોએ 120 દિવસ વધુ ગરમી સહન કરી
વૃક્ષો ઓછા થતાં પૃથ્વીની જમીન વધુ ગરમ થઈ ગઈ
ભારતમાં ઔધોગિકરણના કારણે ગરમી વધી
કોન્ક્રીટના શહેરો બનતાં ગરમીનો પારો ઉંચકાયો
ભારતના 140 શહેરમાં ગામડા કરતા 60 ટકા વધુ ગરમી નોંધાઈ
અમદાવાદ, રાજકોટ, જયપુરમાં ઔધોગિકરણની અસર જોવા મળી
જ્યારે દુનિયામાં જંગલો વધુ હતા ત્યારે ગરમીનું તાપમાન જળવાઈ રહેતું હતુ. પરંતુ જેમ જેમ વૃક્ષો કપાયા અને કોન્ક્રીટના જંગલો તૈયાર થતાં ગયા તેમ તેમ ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. ભારતની જ વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં જ વિવિધ રાજ્યમાં કુલ 1,734 ચોરસ કિ.મી. જંગલો કાપીને ઔધોગિકરણને મંજૂરી અપાઈ છે. છેલ્લા 10 વર્ષમાં ક્યાં રાજ્યમાં કેટલા વિસ્તારના જંગલો કાપવાની મંજૂરી અપાઈ તેની વાત કરીએ તો
ગુજરાતમાં 99.85 ચોરસ કિલોમીટર જંગલ કપાયા
મધ્યપ્રદેશમાં 358.52 ચોરસ કિલોમીટર
ઓડિશામાં 244 ચોરસ કિલોમીટર
તેલંગાણામાં 114.22 કિલોમીટર
અરુણાચલ પ્રદેશમાં 94.95 ચોરસ કિલોમીટર
રાજસ્થાનમાં પણ 87.96 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારને કાપવાની મંજૂરી અપાઈ અને ત્યાંના જંગલો કાપીને કોન્ક્રીટના શહેરો ઉભા કરી દેવાયા..
દેશ સહિત દુનિયામાં તો હજુ માર્ચ મહિનાની ગરમી પડી રહી છે. હજુ તો મેં-જૂનની ગરમી સહન કરવાની બાકી છે. ત્યારે જો આપણે હજુ પણ ન સુધર્યા અને બદલાતા વાતાવરણ અને કપાતા જંગલોની ચિંતા નહીં કરીએ તો આગામી વર્ષોમાં આકાશમાંથી અગનગોળા વરસશે, એ નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે